પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સાહિત્યને ઓવારેથી
 


નર્મદ એક વ્યકિત ન હતો, પણ વિશાળ સંસ્થાથી યે વધારે હતો. સંસ્થાઓ ને મંડળો હજુ આજે પણ નથી સાધી શક્યાં, તે તેણે એકલી જાતે, એકલા હાથે, ગરીબાઈ સામે પટા ખેલતાં ખેલતાં, ને જનસમાજના પ્રહારો ઝીલતાં ઝીલતાં કરી બતાવ્યું છે. આજે પણ આપણી ભાષામાં વિદ્વત્તાપૂર્ણ કોષ કે પ્રમાણભૂત વ્યાકરણ ક્યાં છે ? સુવિખ્યાત મહાકાવ્ય કે તેને ઉચિત ઈંગ્રેજી ‘બ્લૅન્ક વર્સ’ને મળતું કોઈ વૃત્ત આજે પણ ગુજરાતી સાહિત્યમાં દેખાય છે ખરાં ? ‘દાંડિયા’ના જેવા મર્મવેધક પ્રહારો દેતાં સામયિકો કે અગાધ વિદ્વતાના પમરાટવાળા લેખોમાં આજે પણ આપણા સાહિત્યે કેટલી પ્રગતિ કરી છે? ઠામઠામ નર્મદની સાહિત્યપ્રવૃત્તિમાં જ અર્વાચીન સાહિત્યના અંશો નજરે પડે છે. વર્તમાન સમાજ પણ હજુ નર્મદને ચીલે જ ચાલે છે. તેણે પાડેલી પગવાટો હજુ આજે પણ ધોરી રાજમાર્ગો નથી બની. સુધારાના આ હિમાયતીએ ઈસવી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જે કવ્યું અને કર્યું તે આજે આપણે વીસમી સદીનાં આટલાં વર્ષો પછીયે સંપૂર્ણ સાધી શક્યા છીએ ખરા ? સ્ત્રીકેળવણી, બાળલગ્ન, વિધવાવિવાહ, ભૂતપ્રેતના વ્હેમ, પ્રેતભોજન, જ્ઞાતિબંધન, પરદેશગમન, અને કુળવાનશાહી: આ બધાંમાં આજે પણ નર્મદના સમય કરતાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તે વિચારવા જેવું છે. સુધારો તે નર્મદને મન રાજકીય સુધારો જ ન્હોતો. “પ્રજાનાં તન, મન, અને ધનમાં વ્યવસ્થાપૂર્વક જે વધારો કરવો” તે જ તેને મન સાચો સુધારો હતો. ધર્માચાર્યોમાં મૂળ નાંખી બેઠેલાં ઘોર અનિષ્ટોના નિકંદનમાં નર્મદનું પ્રિય આ ગુજરાત તેનાથી કેટલું આગળ વધ્યું છે ? આ બધું વિચારીએ તો કબૂલ કરવું પડે કે નર્મદયુગના આ