પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો
૧૫૭
 

સૌ પ્રજાપ્રશ્નો જ્યાંસુધી સફળ રીતે ઉકેલાયા નથી, ત્યાં સુધી નર્મદયુગ હજુ આથમ્યો નથી. નર્મદ એ સમસ્ત ગુજરાતને હાકલ મારતો મહાપુરુષ હતો. દલપતરામ પણ તેટલા વિરાટ તો નહિ જ. તેનાં આદર્યાં આજે પણ કેટલાંયે અધુરાં છે, ને ગુજરાત ‘बाणोच्ष्टिं जगत सर्वम् ।’ એ પ્રમાણે નર્મદના ઉચ્છિષ્ટ પ્રદેશને જ ખેડી રહ્યું છે. સંક્ષેપમાં નર્મદનો ભવ્ય વારસો વર્તમાન ગુજરાતને સ્વીકારવો પડે તેવો મોંઘો અને મૂલ્યવાન છે.

નર્મદ તો યુગપ્રતિમા હતો, યુગનો વિરાટ પુરુષ હતો; સમયબળોનો તે કેવળ પરપોટો નહિ, પણ ધોધમાર પ્રવાહ હતો. દલપતરામ પ્રજા ઉપર મેઘની જેમ મંદ અને શીતળ જળ સિંચતા, પણ નર્મદ તો દાવાનળની જેમ બધાને ડારતો અને દઝાડતો.

તેવા આ યુગસ્વામી, સમર્થ સાહિત્યસ્રષ્ટા ને સમર્થ સાક્ષર, સમર્થ ઇતિહાસકાર ને સમર્થ સમાજસુધારક, સ્વદેશાભિમાની નરકેસરી નર્મદનો આત્મા આજે પણ ગુજરાતની સર્વદેશીય પ્રગતિ માટે હાક દેતો પ્રજાજનને જાગૃત કરે છે. શબ્દદેહે ગાયેલી ગરવી ગુજરાતની અસ્મિતાનાં પાન કરાવનાર નર્મદનું અમર સ્મારક કરવા આપણે તે શી રીતે શક્તિમાન થઈએ ? આદર્શોને આચારમાં ઉતારનાર, કવેલા ઉપદેશોને અમલમાં મૂકનાર આ અજેય યોદ્ધાનાં આજે માત્ર યશોગાન કરીને જ આપણે સંતોષ માનીએ; કારણકે જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય છે, ત્યાંસુધી નર્મદ આપબળે જ અમર છે. વીરને તો વીરતાભરી યશોગાથાઓ જ યોગ્ય અર્ધ્ય બને છે, અને તેનું સ્મરણ માત્રજ આપણાં રોમાંચ ખડાં કરે છે.