પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ

સવી ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ ગુજરાતી સાહિત્ય માટે એક સ્મરણીય સીમાચિહ્ન સરખો છે; કારણકે આ પૂર્વાર્ધ સમાપ્ત થયો તે અરસામાં જ આપણો ફક્કડ ને રસિક કવિ દયારામ ઈ. સ. ૧૮૫૩માં અવસાન પામ્યો. આ કવિના અંત સાથે જ પ્રાયઃ ગુજરાતી ધાર્મિક સાહિત્યનો પણ અસ્ત થયો. ઈસવી ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ આવ્યો, ને કૈં કૈં નવીનતાઓ લેતો આવ્યો. નવા વિચારો, નવાં દૃષ્ટિબિંદુઓ, નવી અભિલાષાઓ. અને નવી સિદ્ધિઓ તેણે રજુ કર્યાં. અંગ્રેજી સત્તાના આગમને ધીમે ધીમે રાજ્યતંત્રમાં અને માનવજીવનની મહત્તામાં ભારે પલટો આપ્યો હતો: સંસ્કૃતિ બદલાતી હતી, ને પ્રાચીન વિદ્યા ઓસરતી હતી. આ બધા વિષયની અસર ગુજરાતી સાહિત્ય ઉપર પણ સ્વાભાવિક રીતે જ થઈ. અને તેથી દયારામના અવસાન સાથે ગુજરાતી સાહિત્યે પણ નવો રાહ સ્વીકાર્યો. ધાર્મિક સાહિત્ય તરફની અભિરુચિ ને તત્ત્વનિષ્ઠ દૃષ્ટિ ક્ષીણ થતી ગઈ. પ્રજાજીવન મોહક રંગે રંગાવા લાગ્યું; અને પ્રાચીનતા અદીઠ થતી લાગી. નર્મદ જેવા સંદેશવાહકે નવયુગની નેકી પોકારતા હવે સ્વલ્પ સમયમાં જ પ્રગટ થનારા હતા.

પણ નવયુગની ઐહિક ભાવના ધાર્મિક સાહિત્યને એકદમ પરાસ્ત કરી શકી નહિ; કારણકે પ્રાચીન અને અર્વાચીન માટે, પૂર્વ અને પશ્ચિમ માટે આ સંક્રાતિ-કાળ હતો. નવયુગ હજુ ડગુમગુ પગ માંડતો હતો, અને પ્રાચીન ભાવના પરાભવ પામતી મંદ ગતિએ પીછેહઠ કરતી હતી. કવિ દયારામ ગયો,