પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૬૧
 

છોટમની વાણીને મળેલો આવો વ્યાપક સત્કાર જ આ લેખકનું આજે પરમ આશ્વાસન બને છે.

કવિ છોટમ સાઠોદરા નાગર જ્ઞાતિમાં વડોદરા રાજ્યના પેટલાદ તાલુકામાં મલાતજ નામે ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ કાલીદાસ સુખરામ અને માતાનું નામ ઉમીયાલક્ષ્મી. સમર્થ સાક્ષર વ્રજલાલ કાલીદાસ શાસ્ત્રી તે આ છોટમના – છોટાલાલના–જ કનિષ્ઠ ભાઈ થાય. છોટમે નાનપણમાં ગામડી નિશાળે ભણતર પૂરૂં કરી થોડો સંસ્કૃતનો અભ્યાસ પણ કરી લીધો. ચાર ભાઈઓમાં તેઓ સૌથી વડિલ હતા, છતાં સ્વેચ્છાએ આજીવન બ્રહ્મચારી જ રહ્યા. પુખ્ત ઉંમરે તેમણે થોડો સમય તલાટીની નોકરી સ્વીકારી, પણ તેમનું મન તો આવી સાંસારિક પ્રવૃત્તિની પાર અન્ય કોઈ વસ્તુને જ ઝંખી રહ્યું હતું. તેથી નોકરી છોડી તેઓ વ્રજલાલની સાથે એક વખત કાર્તિકી પૂર્ણિમાના યાત્રાપ્રસંગે નર્મદાકિનારે ગયા; અને ત્યાં થોડે દૂર જંગલમાં જતાં તેમને આત્મતેજથી ઓપતા, ને તાડપત્ર ઉપર લખાયેલો આધ્યાત્મિક ગ્રંથ વાંચતા એક સિદ્ધ પુરુષનો, પુરુષોત્તમ સરખા ગુરુનો મેળાપ થયો. આ મહાત્માએ અંતે છોટમને ‘રૂડા ગ્રંથ રચી, પાખંડીના પંથ ખંડવાની’ શીખ આપી. બંને ભાઈઓ પછી સ્વગૃહે પાછા ફર્યા. આ પ્રસંગ પછીથી છોટમની આધ્યાત્મિક વૃત્તિ સતેજ થઈ, મન સંસારનાં બંધનથી મુક્ત બન્યું, અને ભક્તિ-જ્ઞાનની ઊર્મિઓ ઉછળી. આમ છોટમ પોતાના સહજ સંસ્કારબળે, ગુરુકૃપાએ અને પ્રભુપ્રસાદે સંસારી મટી વીતરાગ બન્યા. આત્મજ્ઞાનના ઘેરા સાદ તેમને આમંત્રવા લાગ્યા, અને અંતર્નાદ તેમને અમુંઝાવી રહ્યો. તેથી તેઓ સાધુ ને સાત્ત્વિક બન્યા, અને