પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૬૫
 

કરે છે. સં. ૧૯૨૫નું ‘પ્રહ્‌લાદ આખ્યાન’ પણ બોધ તરફ જ મીટ માંડે છે, ને તેના પ્રસંગો માત્ર આત્મજ્ઞાનને જ અવકાશ આપે છે. સં. ૧૯૨૮ના વર્ષમાં કવિ માર્કંડેય પુરાણનો આશ્રય લે છે, અને આ ઉપરથી તેઓ ‘મદાલશા આખ્યાન’ અને ‘જડમુનિનું આખ્યાન’, એમ બે કૃતિઓ રચે છે. બંનેમાં શ્રદ્ધા, વ્રત, ઇત્યાદિનું નિરૂપણ છે; અને તેમની વાર્તાની પર થઈને આપણે અવલોકીએ તો આત્મજ્ઞાન એ જ તેમનું અંતિમ ધ્યેય જણાય છે.

પછી તો કેટકેટલી કૃતિઓ રચાય છે ? વર્ણાશ્રમધર્મ, ભક્તિ ને ગુરુમહિમા ગાતો તથા આત્મજ્ઞાન ભાખતો ‘ધર્મસિદ્ધિ ગ્રંથ’ કવિએ પોતાના માનીતા ભક્ત બકોર માટે સંવાદ રૂપે લખ્યો છે. જ્ઞાન અને નીતિ ઉપદેશતું ‘ચિત્રભાનુ આખ્યાન’, મહારૂપક સરખું ‘મનજીભાઈનું આખ્યાન’, અને દેહરચનાનું વિવરણ કરતું ‘પંચીકરણ’: આવી કૃતિઓથી આરંભીને સં. ૧૯૩૬માં રચાયલા ને જીવસ્વરૂ૫ સ્ફુટ કરતા ‘હંસઉપનિષદ્ સાર’ ઉપર આપણે આવી પહોંચીએ. આ પહેલાં ને પછીયે છુટક છુટક પદો ને ભજનો, ગુજરાતીમાં ને હિંદીમાં કવિ રચતા જ રહે છે. વૃદ્ધાવસ્થા આવતાં કવિનાં અંગ શિથિલ થાય છે, ને તેથી વ્યક્ત વાણી કરતાં અવ્યક્ત બ્રહ્મ તરફ જ કવિદ્રષ્ટિ વધુ સજ્જ રહે છે. સં. ૧૯૩૬ પછી પાંચ વર્ષે કવિ આ નશ્વર દેહનો ત્યાગ કરે છે. અને પરબ્રહ્મને પામે છે.

છોટમનો કવનકાળ સ્હેજે આમ દોઢ બે દાયકા લંબાયો છે. કવિતા તેમને મન આત્માને ઉન્નત કરવાનું ને હૃદયભાવોને વ્યક્ત કરવાનું સાધન જ હતું. તેમનાં કાવ્યો મુખ્યત્વે માત્રાબંધ કે લયબંધમાં જ રચાયાં છે. દોહરા, ચોપાઈ, કુંડળીઓ, છપ્પો, ઝૂલણા અને ઢાળ ઇત્યાદિ જ તેમાં દેખા દે છે. છતાં તેમાં