પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સાહિત્યને ઓવારેથી
 

ક્વચિત્ ભુજંગપ્રયાત, તો ક્વચિત્ ગઝલની રચના પણ નજરે પડે છે. કવિની ભાષા સરળ, પ્રવાહી ને વેગવંતી છે; શૈલી મનોહર અને પ્રસાદયુક્ત છે, તથા પ્રસંગ આવ્યે શબ્દચિત્રો ઉત્પન્ન કરે તેવી સમર્થ છે. છોટમની વાણીમાં ભલે નરસિંહની મસ્તી કે દયારામનું લાલિત્ય ન હોય; પણ તેમાં અખાની કઠિનતા કે ભોજાભગતનો જગત તરફનો કટાક્ષયુક્ત તિરસ્કાર તો નથી જ. છોટમની ભાષા એકંદરે તો બળવતી ને સંયમી છે; તે વક્તવ્યને સ્ફુટ કરે છે, અને ધારેલું નિશાન પાડે છે. વિશેષમાં, છોટમનાં કાવ્યો પંથ કે સંપ્રદાયની સંકુચિત મનોદશાથી સર્વથા મુક્ત છે. આદ્ય શંકરાચાર્યનું કેવલાદ્વૈત એ જ કવિનો માનીતો સિદ્ધાંત છે, અને વેદાન્ત એ જ તેમનું પરમ દર્શન છે. તેમનામાં મતાંધ દ્રષ્ટિ કે ઝનુની વૃત્તિ નથી; કારણ કે કવિ સ્થૂલ નહિ પણ સૂક્ષ્મના પૂજારી છે, અને રૂઢિ કરતાં શુદ્ધિના સારા હીમાયતી છે.

કવિ છોટમની લાંબી કૃતિઓ ને છુટક કાવ્યોનું સમગ્ર અવલોકન કરતાં કહેવું પડે કે કવિની વાણી તત્ત્વજ્ઞાનના બોધ અર્થે અલંકારો પણ યોજી શકે છે. ‘સૂર્ય’, ‘ઉલૂક’, ‘મૃગ’, ‘ખેતર’ વગેરે ઉપમાનો વડે કવિ ઉચિત અલંકારો યોજે છે. વિશેષમાં, તેમાં પ્રાસ, અનુપ્રાસ ને અંતર્પ્રાસ પણ છે. તેમનાં વર્ણનો પ્રકૃતિને પણ નિરૂપે છે, અને તેમનાં કેટલાંક આખ્યાનો વાસ્તવ દ્રષ્ટિ પણ દર્શાવે છે. કવિનું દર્શન એકંદરે તો આત્મજ્ઞાન વિશે હોઈને પરલોકવાદને જ છણે છે; છતાં તેમાં ઇહલોકનું વાસ્તવ ચિત્ર પણ નિરૂપાયું છે. કેવળ કલ્પના, કે પારલૌકિકતા જ કવિ હૃદયને આવરી લેતાં નથી; અને તેથી જ ઉચ્ચ વ્યોમમાં વિહરતા કવિ નીચે ધરતી ઉપરના સંસારને ય નિહાળે છે. ઊંચે ઉડતાં