પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સાહિત્યને ઓવારેથી
ખંડ : ૧ લો
અવલોકનો
દી. બ. કેશવલાલ ધ્રુવ

અર્ધી સદીના તપ પછી વૃદ્ધ છતાંયે યુવા, અમિત્ર ને અજાતશત્રુ સરખા પેલા આપણા કેશવલાલભાઈ. સાહિત્યદેવને ધ્રુવની અટલ સ્થિરતાથી સેવતાં સેવતાં તેમણે કૈં કૈં જોયું અને અનુભવ્યું. ડૉ. ભંડારકર ગુરુનો વિદ્વત્તાયુગ જોયો; કવિ નર્મદાશંકરના સાહિત્યયુગનાં તેજ ઝીલ્યાં; નર્મદ–દલપતના કજીયા દીઠા, ગોવર્ધનરામનાં સાહિત્યનીર પીધાં; ‘જ્ઞાનસુધા’ અને ‘સુદર્શન’ ની સાઠમારી દીઠી; નરસિંહરાવ તથા બળવંતરાય ઠાકોરના કાવ્યખંડોના સરવાળા–બાદબાકી જોયાં, અને કવિ ન્હાનાલાલનાં પિંગળ–બંડ નીરખ્યાં. ગોવર્ધનયુગ આવ્યો અને ગયો. નરસિંહરાવયુગની ઉષા પ્રગટી અને વિલીન થઈ તેમણે ‘કાન્ત’ની કાન્તિ જોઈ, ન્હાનાલાલનું યુગાધિપત્ય જોયું, મુનશીનો મધ્યાહ્ન દીઠો, અને ત્યાર પછી તો કેટકેટલા સાહિત્ય–સિતારા તેમણે ઉગતા અને આથમતા નિહાળ્યા. અને ત્હોયે તેઓ ‘નિર્જન અરણ્યના શિવાલય સમા’ એકાન્તની ગંભીરતામાં મૂકભાવે સાહિત્યદેવની ઉપાસના કરતા આજે પણ તેવાજ ધ્યાનનિષ્ઠ રહ્યા છે. અધ્યાપક ધ્રુવ સાહિત્યના ઊંચા વ્યાસપીઠ ઉપરથી સારીયે સાહિત્યઆલમને આકર્ષે છે. તેમની વિદ્વત્તાનાં