પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૭૩
 

તેથી તેમણે પોતાની સાચી લાગણીઓને પ્રતિભાબળે શબ્દ-દેહ દીધા, અને તે પણ તદ્દન નિષ્કામ વૃત્તિથી ને કલ્યાણકારી ભાવનાથી. પરિણામે, સંક્રાતિકાળમાં જન્મેલા આ કવિ ને તેમની વાણી ચિરકાળ ઉપેક્ષિત જ રહ્યાં; તથા સાહિત્યના વિવેચકો ને અભ્યાસીઓને હાથે તેમને અન્યાય થયો ! ખરી વાત તો એ છે કે કવિ છોટમ ગુજરાતના ધાર્મિક સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે, અને ‘છોટમ વાણી’ ના ગ્રંથ પ્રગટ થયા પછીથી આજે હવે, તે ધાર્મિક સાહિત્ય સર્જનારા કવિઓમાં તેમની ગણતરી ન કરવી તે કેવળ ક્રૂર ઉપેક્ષા કે અભ્યાસની ઉણપ છે. કવિ છોટમને આજે આ લેખરૂપી નમ્ર અર્થ આપી લેખક એક કુટુંબઋણ જ અદા કરે છે. આવા અર્થમાં કોઈને કદાચ સ્વજનની અનુચિત શ્લાઘા કે કુટુંબની અહંભાવભરી કીર્તિગાથા જણાય તે સંભવિત છે. પણ કુટુંબીજનનાં,–અને તેય આવા પુણ્યશાળી મહાત્માનાં–ગૌરવ ગાતાં કોણ થાકે? વાચકને તેમાં અતિશયોક્તિ કે અસ્મિતા જણાય તો આ લેખક માટે તે સ્વાભાવિક હોઇને ક્ષમ્ય છે. અંતમાં, કેવળ આ લેખકનાં જ નહિ, પણ અખિલ ગુજરાતનાં–તેના સાહિત્યપ્રિય જનોનાં ને જ્ઞાનપ્રિય ભક્તિનાં–અજ્ઞાનનાં આવરણ દૂર કરતા ને આત્મોન્નતિનો સાચો રાહ દર્શાવતા, આ ભક્ત ને જ્ઞાની, ત્યાગી ને તપસ્વી, મહાત્મા ને મુમુક્ષુ કવિ છોટમને અનેકાનેક નમ્ર વંદન હો !