પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સાહિત્યને ઓવારેથી
 


સન્માનતા. દેશના હુન્નરઉદ્યોગની પ્રગતિ, પરદેશગમન, ભૂતપ્રેતના પ્રચલિત વહેમનું નિકંદન, રોવાકૂટવા જેવા દુષ્ટ રિવાજોનો ત્યાગ, સ્ત્રીકેળવણ ને ઈંગ્રેજી કેળવણીની અગત્ય, બાળલગ્નનો પ્રતિબંધઃ આવાં કેટકેટલાં યે તત્ત્વોને શાસ્ત્રીજી સહૃદય ટેકો આપતા. ભૂતદયા, પરોપકાર, ઈશ્વરશ્રદ્ધા વગેરે ઉપર પણ તેમણે કાવ્યો ને લેખો દ્વારા ઘણું ઘણું લખ્યું હતું, ને તે આચરણમાં પણ મૂક્યું હતું.

શાસ્ત્રીજી જેવા પાણીદાર રત્નને પારખીને તેને ઝડપી લેવામાં વર્નાક્યુલર સોસાયટીએ બહુ બુદ્ધિમત્તા અને કદરદાની દાખવ્યાં હતાં. ‘બુદ્ધિપ્રકાશ’ ઉપરાંત તેમણે ‘ધર્મપ્રકાશ’ અને ‘સ્વદેશહિતેચ્છુ’ નામે સામયિકનું પણ તંત્રીપદ સ્વીકાર્યું હતું. વિશેષમાં, તેઓ ‘શાળાપત્ર,’ ‘બુદ્ધિવર્ધક,’ ‘ચંદ્ર,’ ‘નાગરઉદય,’ ‘કેળવણી,’ વગેરે માસિકામાં પણ વિદ્વત્તાભર્યા લેખો લખી મોકલતા. વિમળપ્રબંધ, વસ્તુપાલચરિત્ર, ઉદીચ્ય-ઉત્પત્તિ અને કામંદકીય નીતિસાર જેવા ઉપર અતિમૂલ્યવાન લેખો પણ તેમણે લખ્યા છે, તથા છુટક છુટક સંસ્કૃત શ્લોકો ને પરચુરણ ગુજરાતી ગરબીઓ પણ રચી છે.

શાસ્ત્રીજીની વિદ્વદા સર્વદેશીય હોઈને વિવિધ પ્રદેશોમાં વિચરતી. તે વખતનો સામાન્ય લેખકવર્ગ અને મનસુખરામભાઈ જેવા પાશ્ચાત્ય કેળવણનો લાભ પામનાર વિદ્વાનો પણ ગુજરાતી ભાષામાં શક્ય હોય ત્યાં સુધી સંસ્કૃત શબ્દો જ, ને તે પણ સંસ્કૃત શૈલીથી જ, વાપરવાની તીવ્ર અભિલાષા ધરાવતા; ત્યારે શાસ્ત્રીજી સંસ્કૃતના ઊંડા અભ્યાસી હોવા છતાં ગુજરાતી ભાષામાં સરળ ને સ્હેલા ત‌દ્‌ભવ શબ્દો કે પ્રચલિત હોય તેવા સંસ્કૃત શબ્દ જ વાપરતા. સંસ્કૃત માટે ભારે શોખ હોવા છતાંય પોતાની