પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્રજલાલ શાસ્ત્રી: એક સમર્થ સાક્ષર
૧૮૧
 


માતૃભાષા તરફ આવો નિ:સીમ પ્રેમ ભાગ્યે જ તે કાળના કોઈ શાસ્ત્રીમાં જોવામાં આવતો.

શાસ્ત્રીજીના લેખો ને કૃતિઓના વિદ્વદ્‌ભોગ અને લોકભોગ્ય એમ બે વિભાગ પાડી શકાય. તેમના કેટલાક નિબંધો, લેખો ને કાવ્યો સરળ ને સુગમ શૈલીમાં લખાયાં છે, ત્યારે ‘ગુજરાતી ભાષાનો ઈતિહાસ,’ ‘ઉત્સર્ગમાળા’ અને ‘વૈશેષિક તર્કસાર’ જેવા ગ્રંથો સરળ શૈલીમાં લખાયેલા હોવા છતાં તેમના શાસ્ત્રીય વિષયને લીધે આપોઆપ જ સંસ્કૃત શબ્દોનો આશ્રય લે છે. આમ શાસ્ત્રીજીની શૈલી વિષય પ્રમાણે સરળ કે કઠિન બનતી. ધર્મ, ભાષા, વેદ, વેદાન્ત, ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર-વિદ્યા, છંદશાસ્ત્ર અને કેળવણી જેવા કેટલાય વિષયોને તેમણે પોતાની કલમમાં ઉતારવાની હામ ભીડી હતી; અને શિલ્પ જેવા જે વિષયો પોતે ન જાણતા હોય તેમાં પોતાનું અજ્ઞાન પણ તેઓ કબૂલ કરતા. આવી નિખાલસતા અને સચ્ચાઈ આજે કેટલા લેખકોમાં હોય છે?

ત્યારે શહેરમાં ભલે અંગ્રેજી વિદ્યાએ પ્રવેશ કર્યો હોય, પણ ગામડાંમાં તો કેળવણીની જૂની પ્રથા જ ચાલુ હતી. ગુજરાતમાં ત્યારે વિદ્વત્તા હતી, પણ આર્યોના સંસ્કારવાળી, ઇસ્લામ ને ઉર્દુથી થોડી રંગાયેલી; છતાં ખ્રિસ્તિ ધર્મથી કે ઇંગ્રેજી વિદ્યાથી તે નિર્લિપ્ત જ. ત્યારે ગામઠી નિશાળ હતી. ખેડુતનો છોકરો માંડમાંડ લખતાં વાંચતાં શિખતો, ને બોડા અક્ષરની સહી કરી જાણતો. વણિકપુત્ર નામુંઠામું શિખતો, ને પછી દુકાને વળગતો. રજપુત, ધારાળા અને અન્ય પછાત કોમોની કેળવણી વિષે તો પૂછવું જ શું? આ સ્થિતિમાં બ્રાહ્મણવર્ગ જ સંસ્કૃત વિદ્યાનો ને આર્યસંસ્કૃતિનો ઇજારદાર હોય તેમ તેની