પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યના ઓવારેથી
 


નીર ઊંડાં અને ઘેરાં છે, પણ તે સામાન્ય જનો માટે અપ્રાપ્ય; ને તેથીજ તેઓ કદી જનતાને આકર્ષી શક્યા નહિ, કે પોતાનો યુગ સરજાવી શક્યા નહિ. પદ્મનાભે અને ભાલણે તેમનાં દ્વાર ઠોક્યાં, અને ધ્રુવે તેમને આગમન દીધાં. કાલિદાસ, વિશાખદત્ત અને જયદેવનું તેમણે શરણ શોધ્યું, અને તેમની પ્રાચીન કીર્તિને વધુ ઉજાળી. તેઓ ધૂળમાંથી સોનું શોધે છે. તેમને પત્થરમાંથી પારસમણિ જડે છે. ગાંધીને ઘેર જવા નિર્માણ થયેલાં કાગળિયામાંથી, શુક્રવારી માટે ફેરીઆના હાથમાં જઈ પડેલી ચોપડીઓમાંથી, ને ઉધઈથી ખવાતા, અંધારી એારડીઓમાં જાળાંથી ઢંકાયેલા ચોપડાઓમાંથી તેઓ મહામૂલ્યવાન ને પ્રાણવાન સાહિત્ય સરજાવે છે, અને સાહિત્યદેવના ઝળહળતા દીવાઓમાં કેટલાયનો ઉમેરો કરે છે.

કેશવલાલભાઈએ સાહિત્ય પાછળ જ ભેખ લીધો; અને સાહિત્યના આ પરમભક્તે કાવ્યને ઉજાળ્યું, ભાષાશાસ્ત્રનાં ગર્ભધાર દીઠાં, અને છંદઃશાસ્ત્રને આવરી લીધું. સંસ્કૃત, અંગ્રેજી ને ગુજરાતી: એ ત્રણેયના કાવ્યપ્રવાહોનો તેમણે પોતાનામાં ત્રિવેણી સંગમ કરાવી જનતાને કૈં અવનવું આપ્યું. તેમણે વેદને જોયા, પણ તે ગુજરાતી છંદોનો વિકાસ જાણવા; તેમણે પ્રાકૃત, મરાઠી અને હિંદીને પિછાની, પણ તે ગુજરાતી સાહિત્યનાં તુલનાત્મક મૂલ્ય આંકવા; તેમણે કૌમુદી અને અષ્ટાધ્યાયી નીરખી પણ તે ગુજરાતી વ્યાકરણને વધુ વિશુદ્ધ કરવા; તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું પ્રમુખપદ સ્વીકાર્યું, તે ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિને વિકસાવવા; અને તેઓ અમદાવાદની ‘સાહિત્ય સભા’ના પ્રમુખ બન્યા, તે અમદાવાદને વધુ સાહિત્યરસિક બનાવવા.