પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
સાહિત્યને ઓવારેથી
 


માને છે. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ના લેખક પણ ભાષા-શાસ્ત્રવિષયના અભ્યાસ તરફ પહેલ વહેલી અભિરુચિ ઉત્પન્ન કરવાનું ભાન આ વિદ્વાન શાસ્ત્રીને જ આપે છે. સદ્‌ગત નરસિંહરાવભાઈએ પણ શાસ્ત્રીજીના આ બે લઘુ ગ્રંથોને “પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીના અભ્યાસના સાગરમાં નાવ ખેડનારાઓને દીવાદાંડીઓનું કાર્ય સારનારા” તરીકે ગણાવી શાસ્ત્રીજીની ‘અસાધારણ વિદ્વત્તા’ને સ્વીકાર કર્યો છે; અને દી. બ. કૃષ્ણલાલ ઝવેરી સાહેબે પણ શાસ્ત્રીજીને ‘ગુજરાતી ભાષાશાસ્ત્રનું ખાત મુહૂર્ત કરનાર’ તરીકે વર્ણવ્યા છે. તો હવે આ પુસ્તકના વિષય અને હેતુ વિષે જરા અંગુલિનિર્દેશ કરી લેઉં.

શાસ્ત્રીજીના યુગમાં કેટલાક વિદ્વાન તરફથી એવો મત ફેલાવવામાં આવ્યો કે ગુજરાતી ભાષામાં સૈકાઓ થયાં કાંઈ પણ ફેરફાર થયો નથી; અને સંસ્કૃતમાંથી તે ઉતરી આવી નથી,પણ ઉલટું ગુજરાતી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત ભાષા જન્મી છે. આજે પણ આવી માન્યતા ધરાવનારાઓ હોય છે, તો પછી ભાષાશાસ્ત્ર જેવો વિષય જ ગુજરાતી વાઙ્‌મયમાં ન હોય ત્યારે તો આ માન્યતાને વિશેષ પુષ્ટિ મળવાનો સંભવ હતો. આવા સમયે શાસ્ત્રીજીએ આ માન્યતાનો સબળ સામનો ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ નામે નિબંધ લખીને કર્યો. અંગ્રેજી ભાષાના જ્ઞાન વિના પણ તેમની વિશાળ દ્રષ્ટિને માલમ પડ્યું હતું કે ‘ભાષાઓના ઇતિહાસ ઉપરથી માણસોના ઈતિહાસ જણાઈ આવે છે, ને તેથી માણસોનો ઇતિહાસ જાણનારા પુરુષોએ ભાષાઓને ઇતિહાસ પણ જાણવો જોઈએ.” ઇંગ્રેજી જ્ઞાનથી પોતે વંચિત હોવા છતાં તેમણે આ નિબંધ લખી પ્રશંસાપાત્ર વિદ્વત્તા દર્શાવી છે; અને છતાં તેમાં ક્વચિત્ સંભવિત ‘અજ્ઞાનદોષ’ કે