પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્રજલાલ શાસ્ત્રી: એક સમર્થ સાક્ષર
૧૮૭
 

મુખ્ય પ્રયોજન છે, અને બાલ-અભ્યાસીઓની સગવડ ખાતર કેટલીયે શાસ્ત્રીય કઠિનતા તજી દઈ તેમણે વિષયને સુવ્યવસ્થિત સ્વરૂપે ને સરળ શૈલીએ સમજાવ્યો છે. આપણું ‘ષડ્દર્શન’ ઉપર ગુજરાતી ભાષામાં અનુવાદ કે મૌલિક કૃતિ રૂપે લખાયલાં અલ્પસંખ્યક પુસ્તકમાં આ ‘વૈશેષિક તર્કસાર’ વિશિષ્ટ અને કીમતી ઉમેરો કરે છે. તેમનું છેલ્લું પ્રગટ થયેલું ‘રસગંગા’ નામે પુસ્તક રસશાસ્ત્રને રસપ્રદ રીતે નિરૂપે છે. તેમાં રસ, ભાવ, વિભાવ, અનુભાવ વગેરેના શાસ્ત્રીય વિભાગ પાડી યથાવકાશ તે બધાને મનોરંજક ઉદાહરણ રૂપી શ્લોકો વડે તેમણે વધુ સ્ફુટ કર્યા છે. બાળવિદ્યાર્થીઓને જ નજર આગળ રાખી, સરળ ને વ્યવસ્થિત રીતે રચાયેલું આ લઘુ પુસ્તક આજે મુંબઈ યુનિવર્સિટીનું પણ બી. એ. ના ગુજરાતી વિષયના ‘ઓનર્સ’ ના અભ્યાસક્રમ માટે મમતાપાત્ર બન્યું છે.

શાસ્ત્રીજીને રાજનીતિકુશળ અને વ્યવહારવિચક્ષણ, સત્તાધારી અને સાહિત્યપ્રિય મિત્રો હતા; અને તે બધામાં તેઓ માનનીય સ્થાન પામતા. છતાં શાસ્ત્રીજીની તો પ્રધાન અને ગૌણ, બાહ્ય અને આંતર પ્રવૃત્તિ કેવળ સાહિત્યસેવા જ રહી. વિદ્યાવ્યાસંગને જ સર્વસ્વ માનનાર આ સાક્ષર રાજનીતિના રંગથી કે વ્યવહારની કુટિલ નીતિથી સર્વદા મુક્ત જ રહ્યા. તેમનો સરળ ને સ્વમાનપ્રિય સ્વભાવ, તેમનું ‘સદ્‌ભાવભરેલું હૃદય’ અને તેમનું સ્પષ્ટ સત્યવાદિત્વ તેમને ઇતર પ્રવૃત્તિઓમાંથી રોકી કેવળ સરસ્વતીભક્તિ ને સાહિત્યસેવા તરફ દૃઢ ખેંચી રાખતાં હતાં

સંક્ષેપમાં, શાસ્ત્રીજી ગુજરાતીના આદ્ય ભાષાશાસ્ત્રી હતા, તે યુગના શાસ્ત્રીઓમાં ઉદ્દામવાદી અગ્રણી હતા, મહાન વૈયાકરણ હતા, કવિ હતા, પત્રકાર હતા, સારા '