પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
સાહિત્યને ઓવારેથી
 


ન થયો. એ પૂર્વજન્મના સંસ્કારી અને રસિક આત્માએ પોતાની તરસ છીપાવવા કેટલાયે સાક્ષરો કે સાહિત્યકારોને નિજ મંદિરે નિમંત્ર્યા, અને તેમને ગુરુ, સલાહકાર કે મિત્ર બનાવ્યા. સાહિત્યના આનંદને જ સર્વસ્વ માનતા યુવાન કલાપીએ ગુજરાતી, ઈંગ્રેજી ને સંસ્કૃતના ઉત્તમ ગ્રંથોનો ત્વરાથી અભ્યાસ આદર્યો. આ પ્રજાપ્રિય રાજવીનું હૃદય પ્રથમથી જ ઉદાત્ત ભાવનાઓ અને કોમળ લાગણીઓથી ભરપુર હતું, અને તેમાં તેના ગૃહજીવનના કરુણ પ્રસંગે પૂર્તિ પૂરી તેની પાસે કૈંક ધોધમાર કાવ્ય-પ્રવાહ વહેવરાવ્યો. ‘ભાયાતો–ગરાસીઆઓ એ વિદ્યાના ઓરમાણ પુત્રો છે,’ એમ કહેનાર આ રાજકુમારે નિજ જીવનને સાહિત્યપરાયણ જ બનાવ્યું. કુમાર અવસ્થામાં સાહિત્યના હરકોઈ અભ્યાસીને, તે પોતે સાચા કવિત્વના ભાવોથી પ્રેરાયો હોય કે નહિ તો પણ,–કંઈક ભાવવાહી કે કૃત્રિમ ગમે તેવું–કાવ્ય લખવાની, ને તે માટે ઊર્મિલ પ્રયત્ન કરવાની મહેચ્છા સ્ફુરે છે; અને કલાપી કૈં આ સામાન્ય નિયમને અપવાદરૂપ ન્હોતો. વિશેષમાં, હરકોઈ વિદ્યાર્થીને ય જો પ્રાસયુક્ત પદ્ય રચવાનું મન થાય તો પછી કરુણ ગૃહજીવનવાળાને હેતાળ હૈયાના ભર્તાને કવિતા લખવાનું મન થાય,–બલ્કે તેના હાથે કવિતા આપોઆપ લખાઈ જાય, અને તેનું પરમ વિશ્રાંતિ સ્થાન બને તેમાં શું આશ્ચર્ય !

સુરસિંહજી રાજવી તરીકે લાઠીમાં અને કાઠીઆવાડમાં જાણીતા હતા; પણ ભાવવાહી કાવ્યોના સર્જક તરીકે ગુજરાત ભરમાં, બલ્કે બૃહદ્ ગુજરાતમાં જે ખૂબ વિખ્યાત થયા ને વખણાયા. સાહિત્યની ભાવનાઓ અને જીવનની વાસ્તવિકતાઓ કલાપીમાં સંવાદી રીતે ભેગી વણાઈ ગઈ હતી, અને તે બંનેએ