પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સાહિત્યને ઓવારેથી
 


અરે તે નિરંતર સળગતી જ રહે, એ તો મ્હને ગમે ત્યારે ય કેમ લાગ્યા વિના રહેશે ?” આ પંક્તિઓ કલાપીની હદયવ્યથા વ્યક્ત કરવા પૂરતી છે.

‘હમીરજી ગોહેલ’ નામે અપૂર્ણ રહેલું મહાકાવ્ય પણ આ વર્ષે જ રચાયું હતું.

પ્રતિકૂળ સંયોગો પલટાય છે, કેટલાંક હૃદયો બદલાય છે, ને અંતરાયો તે અનુકૂળતાઓમાં પરિણમે છે. કલાપીને અંતે શોભના મળે છે, જાહેર રીતે ને સર્વસંમતિથી; નહિ સત્તાથી કે નહિ જુલમથી. ઇ. સ. ૧૮૯૮નું વર્ષ કવિ માટે પ્રેમપ્રાપ્તિનું નિવડે છે; અને તેથી હૃદયના તુમુલ તોફાનનો, અને ધોધમાર કાવ્યપ્રવાહનો જલદી અંત આવે છે. ‘કેકારવ’માં કાવ્યરચનાનો દિવસ આપતાં કાવ્યોની મોડામાં મોડી તારીખ ૪–૬–૯૮ની છે. ત્યાર પછીથી તે કવિના અવસાન સુધીમાં રચાયેલાં, છતાં રચના–દિનના નિર્દેશ વિનાનાં કાવ્યો સંખ્યા તેમજ ગુણવત્તામાં અતિ અલ્પને સામાન્ય છે; અને ‘કેકારવ’માં આવાં કાવ્યો માત્ર થોડાંક પૃષ્ઠ જેટલી જગા રોકે છે, તે જ હકીકત કવિના કાવ્યઝરણાનો મંદ વેગ અને અંત બતાવવા માટે બસ છે. ઇ. સ. ૧૮૯૮ના જુલાઈની ૧૧મી તારીખે કલાપીએ શોભના સાથે લગ્ન કર્યું. તેથી તેને પરમ શાંતિ મળી, અને જીવનમાં પરિવર્તન થયું. આ પહેલાં તો તેના હૃદયમાં પ્રેમ ને મૃત્યુ, આશા ને નિરાશા, બેહિશ્ત ને જહન્નમ પરત્વે ભયંકર તોફાન મચી રહ્યું હતું. તા. ૪–૬–૯૮ સુધીમાં લખાયેલાં કાવ્યો ‘નિદ્રાને’, ‘જીવનહાનિ’, ‘ઉત્સુક હૃદય’, ‘પ્રિયાને પ્રાર્થના’, ‘દીલને દિલાસો’ આદિ કવિના પ્રેમદર્દના જ પુરાવા છે. ‘ઉત્સુક હૃદય’નું કાવ્ય તો કલાપીનો હૃદયપલટો–તેના જીવનનું પરિવર્તન–તેની લાખો નિરાશામાં પણ પ્રગટ થતું