પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
સાહિત્યને ઓવારેથી
 


પ્રોજ્જ્વળ હોય છે; ક્વચિત્‌ તો સૌમ્ય, તે ક્વચિત્‌ તે ઝાંખા, ક્વચિત્‌ તે આંખને આંજી નાખે તેવા, તો ક્વચિત્‌ નેત્રને શીતળ અને આનંદકારી નિવડે તેવા હોય છે. અથવા સ્પષ્ટ રીતે કહીએ તો એ પ્રેમ બહુધા તો સ્થૂલ મસ્ત શૃંગાર રૂપે દેખાય છે, કોઈક વખત તે ગૃહજીવનના કોમળભાવ દાખવે છે, તો ક્વચિત્‌ માનવજાતિ તરફના સદ્‌ભાવનું સ્વરૂપ લે છે. કોઈક વખત તે ભૂતદયા રૂપે રજુ થાય છે, કોઈક વાર તે પ્રભુને પ્રિયા–માશુક–માની દિવ્ય આકર્ષણ બને છે, અને કોઈક વખત વળી તે પ્રકૃતિનાં પૂજન કરતા દૃઢ અનુરાગમાં પરિણમે છે. એ દિવ્ય આકર્ષણ કવિની કેટલીક ગઝલોનો વિષય બને છે, અને એ પ્રકૃતિપૂજન તેની કેટલીયે આત્મલક્ષી અને બહુધા અનુવાદ રૂપે રચાયેલી કવિતાનું નિમિત્તકારણ બને છે. પ્રકૃતિ તે કવિને મન ઇંગ્રેજ કવિ વર્ડઝવર્થની માફક પ્રેરક ને શાસક બને છે. તેની સૌંદર્યદ્રષ્ટિ ઉપર પૂજ્યભાવ પ્રેરતું આ પ્રકૃતિ–દર્શન પ્રચુર અસર કરે છે, અને અંતે આ અસર પ્રેમપટમાં જ એક બળવાન તંતુ તરીકે ભેગી વણાઈ જાય છે. કવિનાં પરલક્ષી કાવ્યોમાં પણ આ પ્રેમ જ વિવિધ સ્વરૂપે ઓતપ્રોત થયેલો છે. તેમાં ક્વચિત્‌ ગૃહજીવનના જ કોમળ ભાવો છે. ક્વચિત્‌ માનવસદ્‌ભાવ છે, તો ક્વચિત્‌ ભૂતદયા છે. આ પરલક્ષી કાવ્યોના દોષનિરૂપણ માટે લેખકે ન્યાયી વિવેચક થવું જોઈએ, પણ આવી કડક વિવેચકવૃત્તિ આજે ‘અર્ધ્ય’ આપવાના પ્રસંગે તેને માટે અનુચિત છે. પ્રસ્તુત લેખનો હેતુ આવી કવિતાના ગુણદોષ ચર્ચવા કરતાં, કલાપીના જીવનને અને તદનુરૂપ વહેતા કવનને સમજીને ગુણપ્રધાન દ્રષ્ટિએ તેનાં યોગ્ય મૂલ્ય આંકવાનો છે; અને આ હેતુ તેનાં આત્મલક્ષી કાવ્યોમાં ખાસ સિદ્ધ થાય તેમ જણાય છે.