પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૧૯૯
 


કલાપીનું જીવન મુખ્યત્વે સ્થૂલ મસ્ત પ્રેમના કલહમાં જ વ્યતીત થતું હોવાથી તેને હંમેશાં કોમળ લાગણીના પ્રસંગોની જ ઝાંખી થયા કરે છે. આ લાગણીના આવેશમાં કવિની કલમ ઘસડાતી જાય છે, અને તે કલાદ્રષ્ટિને કે વિવેકશક્તિને વિસારે પાડે છે. તેના હૃદયસ્થ ભાવોને વ્યક્ત કરવા શબ્દો જાણે કે ખૂટી જાય છે. કવિ વર્ડઝ્‌વર્થની કોયલની જેમ કલાપીની દ્રષ્ટિ પણ વળી વળીને ધરતી તરફ જ ઢળે છે; અને તેના તરફ તે અનુકંપા દર્શાવે છે. કલાપીનાં કાવ્યોને યોગ્ય રીતે સમજવા માટે વાચકે પ્રથમ તેના લાગણીવશ કોમળ હૃદયને પરખવું રહ્યું. આ હૃદયગિરિમાંથી ઉદ્‌ભવતા લાગણીના ધોધમાર પ્રવાહને કલાપી નિરંકુશ રીતે યથેચ્છ વહેતો મૂકે છે, અને તેમાં તે ભાવનાશીલ યુવકોને તરબોળ કરી મૂકે છે. તેના શબ્દો એટલા તો સરલ અને સ્પષ્ટ છે, તેની ભાષા એટલી પ્રવાહી ને સુંદર છે, અને તેના ભાવ એટલા હૃદયસ્પર્શી ને કોમળ છે કે વાચકવર્ગ તેની નાજુક ને લીસી કાવ્ય–દોરી ઉપરથી સરળ રીતે નીચે સરકી જાય છે. આ બધું તેના હૃદયમાં ચાલી રહેલા પ્રેમ–કલહનું જ પરિણામ છે.

પ્રેમના આ તુમુલ તોફાનમાં કલાપીને સમગ્ર જગત નિષ્ઠુર અને વિસંવાદી લાગે છે. વિશ્વ માત્ર તેને અનુકંપા–વિહીન અને રસ–શૂન્ય લાગે છે. તે કહે છે કે:—

“નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે.” (વૈરાગ્ય)
XXX
“દરદદીલની વાતોને એ ન છે સૂણનાર કો;
XXX