પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સાહિત્યને ઓવારેથી
 


પોતાનું અમર સ્થાન મૂકતો ગયે. તેણે હૃદયના કોમળ ભાવોનો ધોધમાર કાવ્યપ્રવાહ વહેવરાવ્યો; તેણે માનવજીવનની ઉદાત્તતા ગાઈ; તેણે પ્રકૃતિનાં પૂજન કવ્યાં, અને દિવ્યપ્રેમને શબ્દ–દેહ દીધા. તેની મસ્ત નિરંકુશ વાણી, તેની નિતાન્ત નિખાલસતા, તેનું વિરલ આત્મસમર્પણ અને તેને ભાષાપ્રભુત્વ: સૌએ મળી તેને ‘કવિપદ’થી નવાજ્યો, અને કીર્તિના શિખરે સ્થાપ્યો. તેની આ કવિતાના પાછળથી અનેક પ્રશંસકો જાગ્યા. જે રાજવી હતો અને કવિ હતો, તે કલાપીને શિષ્યોએ ગુરુભાવે સત્કાર્યો અને સન્માન્યો. અંતે એ પૂજામાં કલ્પનાના રંગ ભળ્યા, ને અતિશયોક્તિનું મિશ્રણ થયું. પરિણામે, કલાપી માનવી મટ્યો, ને દૈવી મનાયો; આત્મૈક્ય સાધતો યોગી ગણાયો. સ્વ. ‘મસ્ત’ અને ‘સાગર’ જેવા કવિઓએ લાગણીના આવેશમાં સત્ય સાહિત્યદ્રષ્ટિને વિસારી કલાપીને અન્યથા નિહાળ્યો. તેથી તેમણે પોતાના આ ગુરુદેવને અસંખ્ય પરિમલભર્યાં પ્રશંસા–પુષ્પોથી દાબી દીધો, ને સાહિત્યક્ષેત્રમાં અદીઠ જેવો કર્યો. કલાપી ત્યારથી તત્ત્વજ્ઞાની ગણાયો, ને ‘અનલહક્ક’નો સાક્ષાત્કાર કરતો ઉત્તમ ઓલીયો મનાયો. આ અનુચિત ગૌરવભાવે, આ અયોગ્ય પ્રશંસાએ અંતે તો કલાપીને અન્યાય જ કર્યો. તેના ભક્તો જેમ વધતા ગયા, તેમ તેના નિંદકોમાં ય ભરતી થતી ગઈ. નમ્ર અને નિખાલસ આ કલાપી વિષે તેના અકાળ અવસાન પછી પ્રશંસકો ને વિરોધીઓ વચ્ચે મતભેદના પ્રબળ સૂર પ્રવર્ત્યા. આ સંજોગોમાં, કલાપીને ન મળ્યો સાચો ન્યાય, કે ‘કેકારવ’ને ન લાધ્યાં યથોચિત મૂલ્ય. સાચી ન્યાયવૃત્તિ અને સૌન્દર્યદર્શી વિવેચકશક્તિ, બંને બાજુએ રહ્યાં; અને તેથી કલાપી ને તેની કવિતા, ઉભય સાચા સ્થાનથી વંચિત રહ્યાં.