પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૨૦૫
 


કલાપીની કવિતામાં ગુણની જમા બાજુ છે, તેમ દોષોની ઉધાર બાજુ પણ છે. તે કાંઈ અદ્ભુત ક્રાન્તદર્શી નથી, કે કવિકુલગુરુ નથી. ભાવ પરત્વે, ભાષા પરત્વે ને કલા પરત્વે તેની કવિતામાં કેટકેટલાયે દોષો ગણાવી શકાય તેમ છે. પણ આવું દોષનિરૂપણ તે કાંઈ પ્રસ્તુત લેખનો વિષય નથી. છતાં. તેની કવિતા વિષે કલાપીનું જ વક્તવ્ય ને તેનો પોતાનો જ પરોક્ષ અભિપ્રાય આ દિશામાં આપણને સાચું માર્ગદર્શન કરાવે છે:

“તે અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્યમાં છે ભર્યું.”
(પાન્થ પંખીડું)
“દુનીયામાં સદા વીતે તેની આ મુજ વાત છે;
કલા છે ના, નવું છે ના, રસીલુંય નહિ કશું.”
(વૃદ્ધ ટેલીયો)
“મારી ગરીબ કાવતા બસ કાંઈ રોતી.” (જીવનહાનિ)

કાન્ત ઉપરના પત્રોમાં પણ કલાપી કબૂલ કરે છે કે:— જેવો વિચાર આવ્યો તેવો ફેંકી દેવાની ટેવ પડી ગઈ છે”; … “મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની શક્યો નથી, x x x મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ તેવી જ છે. હું જે કાંઈ લખું તે મને જ આનંદ આપી શકે તેવું ય થતું નથી.

કલાપીના આ એકરારમાં કોઈને વિશિષ્ટાત્માનો વિનય કે મહાત્માનું મિતભાષિત્વ લાગે તે સંભવિત છે. પણ નિષ્પક્ષપાત વિવેચકને તો કલાપીના પોતાની કવિતા વિશેના આ પરોક્ષ કે પ્રત્યક્ષ ઉદ્‌ગાર સત્યપ્રાય અને સમીચીન જણાશે.