પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સાહિત્યને ઓવારેથી
 

 કલાપીની કવિતાનું હાર્દ સમજવા અને તેનાં સાચાં મૂલ્ય આંકવા વાચકમાં સમભાવશીલ હૃદય જોઈએ ને તેના સંયોગોની પરખ જોઇએ. અનેક પત્નીત્વથી અંકાયેલું કવિનું ઉચ્ચ રાજવીપદ, તેનું કરુણ ગૃહજીવન, તેનું અશ્રુ–ભીનું કોમળ હૃદય ને તેનું યુવાન વય : આ બધાંને લક્ષમાં લેવાથી જ કલાપીની કવિતાને સાચો ન્યાય આપી શકાશે. વળી, કલાપીના અવસાન પછી કાન્તના હાથે તૈયાર થયેલા તેના ‘કેકારવ’માં કવિનાં બધાં જ કાવ્યો–સુલભ થયાં તેટલાં બધાં જ–પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, અને કવિત્વના શૈશવકાળે આરંભદશામાં જ લખાયેલાં તુચ્છ કે હીન કાવ્યોને ઉચ્ચ કાવ્યોમાંથી જુદાં પાડી તેમને અપ્રગટ રાખવામાં આવ્યાં નથી તે હકીકત પણ ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે. વાચક જો આ બધી વિગતોને ઉવેખે અને વિવેચક જો તે અવગણે, તો તેથી કલાપીના કવિત્વની સાચી કસોટી નહિ થઈ શકે. કવિ ન્હાનાલાલ કહે છે તેમ “માત્ર છવ્વીસ વર્ષની વયમાં, અને તે પણ એક રાજવીએ કેકારવ ગાયો છે, એ ઇતિહાસ સ્મરણમાં સાંભરી આવે છે, ત્યારે ત્યારે તો સાનંદાશ્ચર્યની ભરતી જ ઉભરાઈ રહે છે.” કલાપી પોતે પણ વાચક પાસે આવી સહૃદય સહાનુભૂતિ માગી જ લે છે ને ?

“વિના અશ્રુ જોશે, જન દુઃખ જનો જ્યાં સુધી અરે !
કવિતાના ભોક્તા, સુખમય રસીલા નહિ બને !”
(કુદરત અને મનુષ્ય)

આમ કલાપીજીવનને અને તેના કવિત્વને યોગ્ય રીતે સમજવા માટે જેમ વીરપૂજા કે ગુરુભક્તિ એ સાચું હોકાયંત્ર નથી, તેમ કવિ તરફ તિરસ્કાર કે અવગણના રાખવી તે પણ