પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. કેશવલાલ ધ્રુવ
 


સોસાયટી તરફથી કોષનું કામ કરતા, ત્યારે ફારસી, અરબી અને ઉર્દૂ શબ્દોના ચોક્કસ જ્ઞાન માટે વૃદ્ધાવસ્થામાં પણ બાળકના જેટલી ઉત્સુકતાથી અને તરુણના જેટલા ઉત્સાહથી તેઓ મોલ્વીને મિત્ર બનાવી તેમની પાસે કૈં કૈં શીખી લેતા. વિશેષમાં તેમની વિદ્વત્તા તલસ્પર્શી હોઈને કવિના જીવન તથા કવનનું હાર્દ સમજવા માટે પ્રસ્તૃત કવિના પુરોગામી કે અનુયાયી કવિઓનો પણ અભ્યાસ કરવાનું તેઓ ચૂકતા નથી; એટલું જ નહિ, પણ આ સિદ્ધાંતને પોતાનાં ભાષાંતરોની પ્રસ્તાવનાના સંશોધનકાર્યમાં તેમણે એક અટલ ને અચળ નિયમ બનાવ્યો છે; અને તેથી જ તેમની આ પ્રસ્તાવનાઓ તેમની વિદ્વત્તાનાં તેજે રંગાઈ અનેક વાચકોને આંજી દે છે.

તેમની એ વિદ્વત્તામાં ઇતિહાસની દૃષ્ટિ છે, ને વ્યવહારની ઝાંખી પણ છે. અનેક કવિઓનો સમય નક્કી કરવામાં તેમણે ભારતના તત્કાલીન ઇતિહાસને જરાયે ઉવેખ્યો નથી. તેમની વ્યવહારદૃષ્ટિનું પણ એક ઉદાહરણ આપી તેને મૂર્ત બનાવું ? અધ્યાપક ધ્રુવને તેમના એક ગુજરાતી ભાષાંતરમાં અધમ પાત્રોની ભાષા તરીકે અંત્યજોની વાણી વાપરવી હતી. તે માટે પોતે લખેલી ભાષા ગમે તેટલી સારી હોય પણ સ્વાભાવિક ન બને એ શંકાથી તેમણે એક અંત્યજ શિક્ષકને બોલાવી તેની પાસે પોતાને જોઈતી ભાષાની સ્વાભાવિકતા (naturalness) લાવવા પ્રયત્ન કર્યો.

કેશવલાલભાઇની વિદ્વત્તા બહુધા વિચરે, પણ વધારે ભાગે તો અર્વાચીન કરતાં પ્રાચીન સાહિત્ય તરફ વધુ નજર રાખે તેવી ખરી. તેમની વિદ્વત્તામાં પુરાતત્ત્વના રજકણો છે. તેથી કોઈક