પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગભૂમિ-ઉદ્ધારક રણછોડભાઈ
૨૧૭
 


યશકલગી ચઢાવે છે. વિશેષમાં આ નાટક સંસ્કૃત નાટકની નાન્દી, પ્રસ્તાવના આદિ વિશિષ્ટ અંશોથી મુક્ત છે ને સ્વતંત્ર રીતે જ રચાયું છે, તે હકીકત પણ ખૂબ નોંધપાત્ર છે.

પ્રસ્તુત નાટકની ગાઢ અને પ્રબળ અસરનું સૌથી વિશિષ્ટ કારણ તો તેની કરુણતા છે. નાટકનો ઉત્તરભાગ અનેક પાત્રોના એક પછી એક વિનાશથી ઘેરો કરુણ બનતો જાય છે; અને તેમાં યે નિરપરાધી, દયાપાત્ર નાયિકા લલિતાની અંતિમ, શાશ્વત વિદાય નાટકને કરુણ રસની પરાકાષ્ટાએ પહોંચાડે છે, ને પ્રેક્ષકના હૃદયમાં કેવળ શોકોર્મિઓ જ ઉછળાવે છે. આમ સંસ્કૃત નાટકે ભરત ‘નાટ્યશાસ્ત્ર’ના નિયમને અધીન રહી જે ન કર્યું તે રણછોડભાઈ એ કરી બતાવ્યું. નાટ્યાચાર્ય ભરતે मधुरेण समापयेत् નો સિદ્ધાંત સ્થાપી કેવળ સુખાન્ત નાટકોની જ રચનાને સંમતિ આપી છે. નાટક માત્ર હર્ષ અને સુખમાં જ પરિણમવું જોઈએ એવા અચળ નિયમે સંસ્કૃતસાહિત્યને કરુણાંત નાટકના દ્વિતીય પ્રકારથી કાયમ વંચિત રાખ્યું છે. સંસ્કૃત અને ઈંગ્રેજી નાટ્યસાહિત્યના જાણકાર રણછોડભાઈએ ઢાલની બંને બાજુઓ નિરખી, અને આ નવા પ્રકારની રચના કરવામાં તેમણે અપૂર્વ હિંમત દાખવી. તેમણે નાટ્યાચાર્યના નિયમને ઉવેખ્યો, કરુણાન્ત નાટક સર્જ્યું, એકજ સપાટે રંગભૂમિ સર કરી અને પ્રેક્ષકવર્ગપર પ્રભુત્વ સ્થાપ્યું. કરુણાન્ત નાટક વધુ આકર્ષક નિવડે છે, તો શા માટે તેની રચના ઇષ્ટ નથી ? માનવજીવન કાંઈ કેવળ સુખથી જ છલોછલ ભરેલું નથી; તેમાં વસ્તુતઃ તો હર્ષ અને વિષાદ બંનેને સ્થાન છે; તો પછી નાટક પણ શાને કરુણરસમાં ન પરિણમે ?