પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સાહિત્યને ઓવારેથી
 


આગાહી આપતું. આટઆટલા દાયકા પછી પણ આ આગાહી આજે સાચી પડી છે ખરી કે ?

ઈસવી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધને અનેક વિશિષ્ટ લક્ષણોથી અંકિત કરતા નર્મદ–દલપત યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ઇંગ્રેજી ભાષાએ, યુરોપના સાહિત્યે અને પશ્ચિમની સંસ્કૃતિએ ભારતવર્ષને નવીન દર્શન કરાવ્યું. ગુજરાત પણ આ દર્શનના બળે નવચેતન વાંછતું થયું. રાજકારણ, ધર્મ, સમાજ અને સાહિત્ય બધાંયે સંક્રાન્તિ–કાળનાં સત્ત્વોને સત્કારવા લાગ્યાં. તેના નવજુવાનો યે ગુજરાતી સાહિત્ય પત્રે અને પુષ્પે, શાખાએ અને ઉપશાખાએ મનોહર બને તેવી મહેચ્છા સેવતા થયા. હરિલાલ ધ્રુવ, નરસિંહરાવ, છગનલાલ પંડ્યા, ને મણિલાલ દ્વિવેદીઃ એવા એવા અનેક યુવકો આંતર અને બાહ્ય પ્રેરક બળોથી ગુજરાતના વાઙ્‌મયને વિશિષ્ટ અને વિવિધ રીતે પ્રોજ્જ્વળ કરવાનાં મહાસ્વપ્ન માણતા થયા. અને પછી તો આ સ્વપ્નદૃષ્ટાઓએ અવનવા તનમનાટ અને અપૂર્વ ખંતથી ગુજરાતી સાહિત્યમાં જે કાંઈ કીમતી ફાળો આપ્યો છે, તે આજે પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં ગૌરવનો વિષય થઈ પડે તેવો છે. આ સંયોગોમાં સંસ્કૃત સાહિત્યની ભાગીરથીને ગુજરાતી ભાષા–ભૂમિ ઉપર ઉતારવાના પ્રયત્ન થયા, ઇંગ્રેજી કાવ્યસુંદરીને ગુજરાતનાં ભાવભર્યાં સન્માન મળ્યાં, અને નાટકો અને નવલકથાઓનું અવનવું પ્રસ્થાન થયું.

ત્યારે અમદાવાદથી બાર ગાઉ દૂર મોસાળ બહિયેલમાં રેવાબાની કુખ દીપાવનાર કેશવલાલભાઈ ઇ. સ. ૧૮૫૯માં પહેલવહેલા જગતનો પ્રકાશ પામે છે. તેમને બે વડિલ ભાઈઓ છે, વચટ ભાઈ ગુજરી જાય છે, અને હરિ–કેશવની જોડી જ