પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
સાહિત્યને ઓવારેથી
 


કરાવવામાં નિમિત્તભૂત થનાર આ ચપળ બટુક ખાડીઆમાં આવેલ જયા મહેતાની ગામઠી નિશાળે અભ્યાસનો આરંભ કરે છે, જ્યાં સોટીનો સ્વાદ વિદ્યાપ્રાપ્તિ માટે આવશ્યક મનાય છે. ત્યાંથી પછી આ બાળ વિદ્યાર્થી પહેલા નંબરની ગુજરાતી શાળામાં દાખલ થઈ ચાર ધોરણનો ગુજરાતી અભ્યાસ પૂરો કરે છે.

મિડલ સ્કૂલના અભ્યાસકાળમાં, પાછળથી માસ્તર તરીકે જાણીતા થયેલા અચરતલાલ તે કેશવલાલના સહાધ્યાયી બને છે. ઇંગ્રેજી ત્રીજા ધોરણથી શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરી પણ તેમની સાથે થાય છે. આટલી કિશોર અવસ્થામાં સ્નેહસંબંધ બાંધતા એ બટુકોની મૈત્રી ભવિષ્યમાં તો અનેકગણી વૃદ્ધિ પામી ઉભય પક્ષે સાચા સૌહૃદનું સ્થાન લે છે.

હાઈસ્કૂલમાં લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ, દી. બ. અંબાલાલ સાકરલાલ અને કવિ દલપતરામ પાસેથી કેશવલાલ અનુક્રમે ગદ્યલેખન, સંસ્કૃત સાહિત્ય અને પિંગળનું જ્ઞાન પામે છે. મોટાભાઈ હરિલાલ પણ બધો વખત માર્ગદર્શકની હૂંફ આપે છે, અભ્યાસમાં તેમજ રમતમાં; અને લઘુ બંઘુ તેમને પગલે પગલે વિચરે છે. શાંત, શરમાળ કેશવલાલ અમદાવાદને આંગણે રમાતી મરદાની રમતો તરફ ઉપેક્ષા દાખવે છે, અને માત્ર લખોટી કે પતંગની સાદી રમતોમાં જ આનંદ માણે છે. મોટાભાઈને જ ચીલે ચાલનાર આ કિશોર આમ મરદાની રમતોથી ગાજતા ખાડીઆમાં પણ પોતાનું શાંત અને ભિન્ન વર્તન દાખવે છે. પણ ઉભરાતો ઉત્સાહ અને અતિશય ત્વરાનાં લક્ષણવાળા હરિલાલ કાંઈ એમ શાંત બેસી રહે ખરા ? ભાવનાશાળી સમોવડીઆ મિત્રોની સ્હાયથી તેઓ એક ‘સત્યમાર્ગદર્શક સભા’