પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સાહિત્યને ઓવારેથી
 


મળી આવે છે. ગજ્જરને ધ્રુવના સ્વભાવનાં મૈત્રીપોષક સમાન તત્ત્વો ખૂબ ગમે છે; અને કાયદામાં નિષ્ણાત થનાર સેતલવાડ ત્યારે આ ભાવી સાક્ષર સાથે સંસ્કૃત વાંચી મિત્રબંધનને બળવાન બનાવે છે.

ભાવી ‘સુદર્શનકાર’ તેમના વિશાળ અને ગહન વાચનથી પુસ્તકના પર્વતશૃંગે વિરાજતા લાગે છે. દીપ ને તપનાં તેજથી રાત્રિને સવિશેષ શોભા અર્પતા, કલાકો સુધી શશાંકનું સખ્ય સાધતા, વિકસતી વિદ્વત્તાથી પોતાના ખંડને વિભૂષિત કરતા અને સૌ સાથીઓનાં ઈર્ષ્યાભર્યા માનને પાત્ર બનતા મણિલાલ મિત્રવૃંદમાં મણિ જેવા ઝળહળી રહે છે. તેઓ પ્રસ્તુત વિષય ઉપરનાં બધાં જ પુસ્તકો વાંચી તેનો સત્વભર્યો રસ સંગ્રહે છે, અને આવા તલસ્પર્શી અભ્યાસથી ભવિષ્યની સમૃદ્ધ વિદ્વત્તાની ઈમારત ચણે છે. અભ્યાસના પ્રદેશમાં દુર્ધર્ષ અને દુરારાધ્ય દેવ સમા મણિલાલને જોઈ ઘણા મિત્રોનાં મસ્તક તેમના તરફ માનથી નમે છે. મોંઘા આરામની ધન્ય પળોમાં દ્વિવેદીને ધ્રુવની મૈત્રી રુચે છે, અને બંને કોઈ કોઈ વખત કલાકો સુધી સાથે શેતરંજ રમે છે. ખંતીલા કેશવલાલને મણિલાલનું અભ્યાસમય વાતાવરણ અગમ્ય રમણીય લાગે છે, અને તે વાતાવરણ તેમને સંસ્કૃતના અભ્યાસ માટે વિશેષ વિહ્‌વળ બનાવે છે. મણિલાલ, કેશવલાલ, નરસિંહરાવ, ત્રણે એફ. ઇ. એ. માં પાસ થાય છે, અને શિષ્યવૃત્તિઓ પામે છે. સંસ્કૃતમાં નરસિંહરાવ પ્રથમ આવે છે.

વિદ્વત્તા કે વિચક્ષણતા કાંઈ કેવળ કોલેજની એકધારી ફત્તેહથી કે ઊંચા વર્ગની જ્વલંત કારકિર્દી જ નથી મપાતી. સરસ્વતી કેશવલાલભાઈથી વિમુખતા તો નહિ, પણ ઉપેક્ષા