પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સાહિત્યને ઓવારેથી
 


મનોહર મનોરથ વધુ પ્રદીપ્ત થઈ તેમને આત્મમંથનને માર્ગે પ્રેરે છે; અને ભીષણ નિશ્ચય તથા અદમ્ય ઉત્સાહ તેમના સૂક્ષ્મ હૃદયતાર ઝણઝણાવે છે. પણ આ મનોરથને તેઓ મહેરામણની માઝાઓ અર્પે છે. અંગ્રેજ મહાકવિ મિલ્ટને જીવનભરમાં ઉતારેલું મહાસત્ય ધ્રુવના એ સકલ સાહિત્યવિષયક અભિલાષોને એક જ સૂત્રમાં પરોવી લે છે. આ રહ્યું તે સાહિત્યકારનું માનીતું મનનીય વાક્ય: “Labour and intense study I take to be my portion in this life” શ્રમ અને સ્વાધ્યાય તે આ સાહિત્યસેવકના જીવનભર મૂર્તિમંત સાથી બને છે. ચિંતન, નિદિધ્યાસન અને સૂક્ષ્મ સંશોધન તેમનાં વાક્યોને પટ આપી આપીને મહામૂલ્યવાન બનાવે છે. આ મનોરથ, આ નિશ્ચય અને આ દૃષ્ટિનો ત્રિવેણીસંગમ કરતા કેશવલાલભાઈ પછી સંસારમાં ઝુકાવે છે; અને સદ્ધર હોકાયંત્રના પ્રતાપે તેમની કિસ્તી નથી ડોલતી, કે નથી દિશાભ્રમનો ભોગ બનતી. વ્યક્તિગત પ્રેરક બળો તેમને શાંતિપ્રિય ને કલહભીરુ, એકાકી ને અજાતશત્રુ બનાવી ભવિષ્યમાં કંઈ કંઈ અનુકુળતાઓ આપે છે, અને કંઈ કંઈ વિષમતાઓમાં મૂકે છે; પણ એમનું જીવનનાવ અથડાયા વિના કે ભાંગ્યા વિના ધારેલા બંદરે પહોંચે છે.

એ નાવના જળમાર્ગો, સફરો, સંકટો અને સગવડો તો આપણે હવે પછી વિલોકીશું. હમણાં તો બે શબ્દોના સૂચનથી જ હું સમાપ્ત કરીશ.

જીવનભર સાહિત્યક્ષેત્રમાં મહારથી તરીકે ઘૂમતા આ સાહિત્યસેવકનાં પળેપળનાં ચિંતન અને મનોમંથન નોંધવા હજુ ગુજરાતમાં કોઈ બોસ્વેલ નથી પાક્યો. ડૉ૦ જ્હોન્સનના અહર્નિશ પાદ સેવતા આ પટ્ટશિષ્યનો સાહિત્યકાર પ્રતિનો પૂજ્યભાવ