પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૧)
૨૩૩
 


ભીતરમાં નજર નાખી તે પ્રાકૃત અપભ્રંશનાં ગર્ભદ્વાર નિહાળે છે, અને વૈદિક સાહિત્યમાંથી દૂરદૂર વિચરતી દૃષ્ટિએ પ્રકાશના પરમાણુઓ શોધે છે. તેમને હૈયે કંઈ કંઈ કોડ છે: સાહિત્યનો વિવિધ વિકાસ સાધવાના, સંશોધનથી તેને સમૃદ્ધ બનાવવાના, ઉચ્ચ વિવેચનથી તેને વિશિષ્ટ કરવાના, વ્યાકરણથી તેને વિશુદ્ધ કરવાના, ભાષાશાસ્ત્રથી ગુજરાતીનો ભૂતકાળ જાણવાના અને છંદોના અભ્યાસથી પિંગળશાસ્ત્રના ધોરી પ્રવાહ નિરખવાના. પણ આ બધું એકલે હાથે કેમ થાય ? ત્રણ ત્રણ શતકનાં ભગવાન ભરદ્વાજને ઈન્દ્રે આયુષ્ય દીધાં, ત્યારે ય વેદજ્ઞાનના પર્વત સરખા રાશિમાંથી તેઓ એક મૂઠી જ ભરી શક્યા હતા; અને જો ચોથા શતકનું આયુષ્ય મળે તો હજુય પોતે અનન્ત વેદો પાછળ જ મચ્યા રહેશે, એવો તેમણે મનોરથ વ્યક્ત કર્યો હતો. એ અમાપ જ્ઞાન, એ મર્યાદિત માનવજીવન અને એ માનવજીવનના અનન્ત અમર્યાદિત મનોરથો નિષ્કામ કર્તવ્ય એ જ કાર્યસિદ્ધિની એક કૂંચી છે; આ જ્ઞાન કેશવલાલભાઈને તેમના અભિમત માર્ગે જતાં નવીન બળ અને ધૈર્ય આપ્યું.

આ સાહિત્યસેવકની વિદ્વત્તાનાં યોગ્ય મૂલ્ય અંકાય તે હેતુથી સ્હેજ વિષયાન્તર કરીને પણ અહીં એક વાત જણાવી લઉં. ગુજરાતની વેપારપ્રધાન વૃત્તિઓ અને વર્તમાન સંક્રાન્તિયુગની વિશિષ્ટતાઓ તેના સાહિત્યભક્તોને યોગ્ય ઉત્તેજન નથી આપ્યું એટલું જ નહિ, પણ તેમના તરફ અધિક અંશે તટસ્થ ઉપેક્ષા જ દાખવી છે. આવી ઉપેક્ષાવૃત્તિએ ગુજરાતી સાહિત્યનો વિકાસ અવરોધ્યો છે, તેના કવિઓ ને લેખકોને ક્વચિત્‌ રોટી વિના ટળવળતા રાખ્યા છે, તે ક્વચિત્‌ તેના સમર્થ સાક્ષરોને