પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય–જીવન (૧)
૨૩૫
 


મોટાભાઈથી જુદા પડી એક લેખ દ્વારા સ્વતંત્ર મત દાખવે છે. અને ‘મુગ્ધાવબોધ–ઔક્તિક’નાં મૂલ્ય આંકી તેના સંપાદકની ત્રુટિઓ સમજાવે છે. વ્યાકરણ સંસ્કૃતનું છે, ને ઉદાહરણો જૂની ગુજરાતીનાં છે, એ શ્રી. નરસિંહરાવભાઈએ પ્રગટ કરેલા મત સાથે ધ્રુવસાહેબ મળતા થાય છે. પોતાના લેખમાં, સંદિગ્ધ પ્રશ્નોને કેશવલાલભાઈ અણિશુદ્ધ છણે છે, મોટાભાઈના ઉતાવળિયા અને અપરિપકક્વ વિચારોની ક્ષતિ દર્શાવે છે, અને એક સૂક્ષ્મ સંશોધનદૃષ્ટિએ ‘મુગ્ધાવબોધ’ને પંડિત હેમચંદ્રની ‘અષ્ટાધ્યાયી’ સાથે સળંગ સંબંધ બેસાડે છે.

આ જ વર્ષમાં એટલે ઇ. સ. ૧૮૮રમાં વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ તેમને અદ્ભુત રીતે આકર્ષે છે. તેના સૂક્ષ્મ અભ્યાસથી તેમને અનેક હકીકતો નવીન સ્વરૂપે દેખાય છે. તેમની પારદર્શક દૃષ્ટિ કેટલાક કૂટ પ્રશ્નોનું મંથન કરી તેમાંનું નવનીત તારવી લે છે. તેમાંથી ‘મુદ્રારાક્ષસના મલયો’ અને ‘મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તનો સમય’ એ એ ગહન વિદ્વત્તાયુકત લેખો ઇંગ્રેજીમાં તૈયાર થાય છે. એક ભારતવર્ષના ‘ઇંડિયન એન્ટિક્વેરી’ માં પ્રસિદ્ધ થાય છે; અને બીજો ઓસ્ટિયાના ‘વિયેના ઓરીએન્ટલ જર્નલ’માં. એકથી સ્વદેશે અને બીજાથી પરખંડે તેઓ આમ પોતાની સાક્ષરતા સિદ્ધ કરે છે.

એ નિબંધ લખાયો ત્યારે પહેલાં મલય પ્રદેશ દક્ષિણમાં આવ્યો એમ મનાતું હતું. તત્કાલીન વિદ્વાન તેલંગ પણ આ જ મતનું સમર્થન કરતા હતા. કેશવલાલભાઈ તેમના લઘુ લેખથી આ પ્રચલિત મતને પરાસ્ત કરે છે, અને પુરવાર કરે છે કે મલય તે દક્ષિણમાં નહિ પણ નેપાલની પશ્ચિમમાં આવ્યું.