પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
સાહિત્યને ઓવારેથી
 


શુદ્ધિઓ જાહેરમાં મૂક્યા વિના તે ભાષાંતરની કૃતિનાં સાચાં મૂલ્ય કોણ પિછાને ? આ ઉપરથી જ તેમનામાં ‘મુદ્રારાક્ષસ’ની સંશોધેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાના અભિલાષ જાગે છે. પાઠોના નિર્ણય અને શુદ્ધિ માટે તેઓ ‘મુદ્રારાક્ષસ’ની પચાસેક જુદી જુદી પ્રત જુએ છે, ને વિવિધ પાઠો નોંધી લઈ અભ્યાસપૂર્ણ દૃષ્ટિએ તેમનાં તુલનાત્મક મૂલ્ય નક્કી કરે છે. ઉતાવળ ને અધીરાઈના આ યુગમાં તો આવું કાર્ય ‘ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર’ જેવું કોઈકને લાગે. વર્ષો સુધીના આ શ્રમભર્યો પ્રયત્નો પછી કેશવલાલભાઈ સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કરે છે. મહારાષ્ટ્રના ‘ઈન્દુપ્રકાશ’માં તેની પ્રશંસાયુક્ત સમાલોચના આવે છે, અને મુંબઇનું અઠવાડિક ‘ગુજરાતી’ અનુકૂળ અભિપ્રાય આપી તેની સગર્વ નોંધ લે છે.

આયુર્વેદાચાર્ય ભાખે છે કે સુવર્ણાદિ ભસ્મો અનેકાનેક પટ દેવાથી જ વિશેષ ચમત્કારિક નિવડે છે. જેમ પટ વધે તેમ તે ભસ્મનાં મૂલ્ય પણ વધે. કેશવલાલભાઈ કુશળ વૈદની માફક પોતાનાં પુસ્તકોને પટ દેવાનો પ્રયોગ કરી તેમને મહામૂલ્યવાન બનાવે છે. કોઈને આવા ફેરફારો અયોગ્ય અને અનિષ્ટ લાગે તો નિરુપાય ! સત્ય તો ગમે તેટલું મોડું પણ ઉચ્ચારી શકાય છે. પોતાની ત્રુટિઓ, સ્ખલનો, અપૂર્ણતાઓને શા માટે દૂર ન કરવી ? ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો, એ ન્યાયે ધ્રુવસાહેબના એકજ પુસ્તકની ભિન્નભિન્ન આવૃત્તિઓમાં અવનવા સુધારાવધારા અને ફેરફાર હોય છે જ; અને આવી વિચારસરણીથી જ સંસ્કૃત ‘મુદ્વારાક્ષસ’ની બીજી આવૃત્તિ તેના વિશિષ્ટ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે.