પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૧)
૨૩૯
 


સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તેવામાં જર્મન પંડિત હીલેબ્રાન્ટ આ જ નાટકની સંશોધિત આવૃત્તિ તૈયાર કરવાના હેતુથી વિશેષ સામગ્રી મેળવવા હિંદુસ્તાનમાં આવે છે. પ્રાંતે પ્રાંતમાં પરિભ્રમણ કરી તેની જુદી જુદી હાથપ્રતો એકઠી કરવાનો તેમનો અભિલાષ છે. આ કારણે પૂનામાં તેઓ સંસ્કૃતના સુવિખ્યાત સાક્ષર ડો. ભાંડારકરને મળે છે. પ્રેમાળ ગુરુ શિષ્ય ધ્રુવે સંશોધેલી સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિથી પરિચિત છે; અને આ પ્રસંગે તેમણે કરેલી સૂચનાથી જ કેશવલાલભાઈ પોતાની આવૃત્તિની એક પ્રત હીલેબ્રાન્ટ માટે ડો. ભંડારકરને મોકલી આપે છે. આ જર્મન પંડિત પછી સારા ભારતવર્ષમાં–નેપાલ સુદ્ધાં–ભ્રમણ કરી ‘મુદ્રારાક્ષસ’ની પચાસેક હાથપ્રતો ભેગી કરે છે, ને તે બધીની મદદથી પોતે એક નવી આવૃત્તિ પ્રગટાવે છે. તેમાંથી કેશવલાલભાઈને સંશોધનદૃષ્ટિએ નવો પ્રકાશ પાડનારાં પુષ્કળ સાધનો મળી આવે છે. પોતાની આવૃત્તિમાં યોજેલા કલ્પિત પાઠમાંથી લગભગ ત્રીજા ભાગના ખરા પડ્યા છે, એમ હીલેબ્રાન્ટની આવૃત્તિની ઉપરથી તેમને પ્રતીતિ થાય છે. તેવામાં જ પૂનાના પ્રોફેસર બેલ્વેલ્‌કરની સૂચનાથી ત્યાંના અગ્રગણ્ય પ્રકાશક સરદેસાઈ કેશવલાલભાઈ પાસે સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની બીજી આવૃત્તિની માગણી કરે છે. આવો પ્રસંગ આપણા ગુર્જર સાક્ષરને નવી આવૃત્તિ તૈયાર કરવાની પ્રેરણા આપે છે. તેઓ જર્મન પંડિતની આવૃત્તિનો સંપૂર્ણ લાભ લે છે, ને સ્વતંત્ર બુદ્ધિએ તેમાં કેટલાય સુધારા સૂચવે છે. પટ પામેલી આ દ્વીતીય આવૃત્તિ મહારાષ્ટ્રમાં પણ માન મેળવે છે, ને પ્રમાણભૂત ગણાઈ ત્યાંના વિદ્વાનોની મુક્તકંઠે પ્રશંસા પામે છે. પરપ્રાંતમાં યે, ને તે પણ સંસ્કૃત પુસ્તક સંબંધી