પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૧)
૨૪૧
 


મુખેથી તેની પ્રશંસા સાંભળેલી જ હતી. કોઈ જૂનાં પુસ્તકો વેચનારને ત્યાંથી હરિલાલભાઈને ‘ગીતગોવિંદ’ ની શિલાછાપની ચિત્રવાળી એક જૂની આવૃત્તિ મળી આવી હતી. બટુક કેશવલાલ ઉપર ત્યારે પણ જયદેવે ભૂરકી નાખી હતી. અર્થ ન સમજાય છતાં આ ચપળ વિદ્યાર્થીને તેનાં સંગીત અને શબ્દાલંકારને કારણે ‘ગીતગોવિંદ’ વારંવાર વાંચવામાં ખૂબ રસ પડતો.

વર્ષો ઉપરનાં જયદેવનાં એ સમર્થ જાદુ કાંઈ છેક અફળ જાય ખરાં કે ? એક અવનવો પ્રસંગ ‘ગીતગોવિંદ’ના આકર્ષણમાં નવીન જ ભાત પાડે છે. કેશવલાલ વિદ્યાર્થી અવસ્થામાં જ વ્રજલાલ શાસ્ત્રી કૃત ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ વાંચે છે, અને ‘ગીતગોવિંદ’ ઉપર જૂની ગુજરાતીમાં કરેલી ટીકાનો તેમાં પ્રસિદ્ધ થયેલો નમુનો આ નવજુવાનનું જયદેવ તરફનું માન વિશેષ જાગૃત કરે છે. પછી તો કોલેજકાળમાં આ કોડીલા ભાષાંતરકાર ‘ગીતગોવિંદ’ને ગુજરાતી શબ્દદેહ આપવા ઈચ્છે છે. ઈ. સ. ૧૮૭૭ થી ઇ. સ. ૧૮૮૩ સુધીમાં તેઓ ‘ગીતગોવિંદ’ની ચોવીસે અષ્ટપદીઓનું દેશી રાગોમાં ભાષાંતર કરે છે. પણ શ્લોકો હજુ બાકી છે. આ દરમ્યાન ‘ક્લાન્ત’ કવિ બાળાશંકર પાસેથી ‘ગીતગોવિંદ’નું એક હિંદી ભાષાંતર કેશવલાલભાઈને મળી આવે છે. આ હિંદી ભાષાંતર પ્રખ્યાત રાયચંદ કવિનું છે; પણ તે કઠિન અને સંસ્કૃતમય છે. આપણા ખંતીલા સાહિત્યભક્તને આથી સંતોષ નથી થતો.

પણ ‘ગીતગોવિંદ’ના ભાષાંતર ઉપરની વિચારસરણી આટલેથી જ વિરમતી નથી. તેનું પોતે દેશી રાગોમાં કરેલું