પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 


પ્રદેશોમાં ભમી જાદુગરની માફક અવનવી ને ચમત્કારભરેલી વસ્તુઓ આપણી આગળ ખડી કરે છે. સર્વત્ર તેમનું છેલ્લું સાધન—ઐતિહાસિક દૃષ્ટિથી પણ પર–તેમની પાબંધ કસોટી (metrical test) છે. પદ્યજ્ઞાન એ તેમનો જાદુઈ રાજદંડ છે; ને તેનેજ આધારે તેઓ ત્રણ ત્રણ પ્રેમાનંદોની સૂચના કરે છે. સામાન્ય જનતા વિચારમૂઢ બની આ મંતવ્યોને હસી કાઢે છે. પણ કોઈ તેમની દલીલોના રદીઆ નથી આપતું—આપી શકતું. ધ્રુવ સાહેબ તેમનાં મંતવ્યોમાં બહુજ ઉદાર હોય છે, ને વાજબી દલીલો તો પ્રતિપક્ષીને મોંઢેથીય સાંભળવા હંમેશાં ઉત્સુક હોય છે. પ્રેમાનંદને પણ તેઓ અનૈતિહાસિક રીતે ખોટો યશ આપવા તૈયાર નથી જ હોતા. પ્રેમાનંદ તેમનો માનીતો કવિ છે, છતાંય તેઓ તેના અવગુણો તરફ આંખ મીંચતા નથી. પદ્યરચનાઓમાં ને પ્રેમાનંદના કવિજીવનમાં કાળબળે નવું જ્ઞાન ઊપજતાં તેમણે પોતાની માન્યતાઓ બેધડક ફેરવી છે, તે પહેલાંની ત્રુટીઓ કબૂલ કરી છે. એક એક શબ્દની વ્યુત્પત્તિ પાછળ કલાકના કલાક કે દિવસોના દિવસ ગાળનાર આ સાક્ષરવર્યની ધીરજ કદીયે ખૂટતી નથી, ને ઉત્સાહ ઓસરતો નથી. ગુજરાત અને ગુજરાત બહાર પણ ગુજરાતી ભાષામાં આપણને વનવેલી (blank verse)ના પ્રયોગ કરી બતાવનાર અધ્યાપક ધ્રુવના જેવો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ને અંગ્રેજી પદ્યરચનાનો તુલનામક ને તલસ્પર્શી અભ્યાસ બહુ થોડાનો જ હશે.

અમલદાર પિતાના આ વિદ્યોપાસક પુત્રે મહેસૂલી અમલદારીના કોડ અનુકૂલ સંયોગો છતાં યે જતા કર્યા અને આખું જીવન સરસ્વતીને સમર્પ્યું. મુદ્રારાક્ષસની અંગ્રેજી આવૃત્તિથી તેમણે