પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય–જીવન

(૨)

ધીરાઈ, આવેગ અને અસ્થિરતાથી અંકાયેલા આ યુગમાં તલસ્પર્શી અભ્યાસ કે ગહન વિદ્વત્તા તરફ ગુજરાતી સાહિત્ય આલમની અરુચિ નહિ, તો ઉપેક્ષા તો વધતી જ જાય છે. અર્ધી સદીથી વધુ સમય સુધી એકાગ્ર ચિત્તે સાહિત્યસેવા કરવાને આજકાલ કેટલા ગુજરાતીઓ ભાગ્યશાળી થતા હશે ? ને તે પણ સતત, સંગીન અને શ્રદ્ધાયુક્ત સાહિત્યસેવા કરનાર તો બહુ વિરલ જ. સર્જનાત્મક સાહિત્ય તો શીઘ્ર ફળ આપે, તેના સર્જકના પ્રયત્નો સ્પષ્ટ રીતે પ્રશંસાપાત્ર થાય, અને તેને તાત્કાલિક પ્રસિદ્ધિ તથા કીર્તિયે મળે. પણ આદર્શ ભાષાંતરકારને, સમર્થ વિદ્વાન ભાષાશાસ્ત્રીને કે સૂક્ષ્મદર્શી સંશોધકને તો કેટકેટલી ધીરજ રાખવી પડે છે ? તેના પ્રયત્નો ઉતાવળે ફળતા નથી, ને તેની કલમ તેને તરત કીર્તિ આપતી નથી. એ તો ગાળે છે વર્ષોનાં વર્ષો શાંત મૂક સ્વાધ્યાયમાં, સમુદ્ર જેવા ઊંડા ચિંતનમાં, અને એકાકી આત્મમંથનમાં.

કેશવલાલભાઈ અને તેમના સમવયસ્ક–પણ હાલ સદ્‌ગત નરસિંહરાવભાઈ, બંનેની સંગીન, નિશ્ચલ અને સુદીર્ઘ સાહિત્ય સેવા તથા અગાધ સાક્ષરતા માટે ગુજરાત યોગ્ય ગૌરવ લઈ શકે તેમ છે. નરસિંહરાવભાઈની સાહિત્યસેવાનાં મૂલ્ય આંકવાનો સમય તો પાકી ગયો છે, એટલે વહેલી મોડી તેમની વિદ્વત્તાની