પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૨)
૨૫૫
 

 ગાઢ મૈત્રી બાંધતા આ એકાંતપ્રિય સાહિત્યસેવક સન્માન્ય સરસ્વતીપુત્રોનું સાન્નિધ્ય સેવે છે, તેમના ચરણ ઉપાસે છે, તેમના હૈયાની વાત સાંભળે છે, તેમનાં વીતકો જાણે છે, તેમના અનુભવો લક્ષમાં લે છે, અને તેમની ભાવનાઓ, વિશિષ્ટતાઓ ને ત્રુટિઓ સમજે છે. અંતે, તે બધાના પ્રસાદ્‌થી તેમને એક જાદુઈ દંડ લાધે છે.

ગણિતશાસ્ત્રીના જેટલી ધીરજ, કુશળતા ને ચોકસાઈથી પ્રમાણભૂત બનતી વૃત્તોના વપરાટની કસોટી (metrical test) એ ખરેખર તેમની જાદુઈ સંપત્તિ છે. મંત્ર ભણી આ જાદુઈ દંડ ઠોકે કે ગમે તેવો સંસ્કૃત કે ગુજરાતી કવિ તેમની સમક્ષ હાજર થવો જ જોઈએ, એવી આ જાદુગરને તેના દંડમાં દૃઢ શ્રદ્ધા છે. બિચારા પ્રાકૃત જનો તો કેવળ આશ્ચર્યમુગ્ધ થાય છે. તેમને નથી લાધતાં એ જાદુઈ દંડનાં રહસ્ય, કે નથી સમજાતો તેનો દુર્ગમ પ્રભાવ. અદ્ભુત અને અપ્રતિમ લાગતો આ દંડ થોડી અન્ય સામગ્રીના બળે પ્રથમ કવિ ભાસને દેખાડે છે, અને છેલ્લા અશ્વઘોષને હાજર કરે છે.

પણ આ તો બધું પ્રસ્તાવનાની જ વાતને લાગુ પડે. ભાષાંતરના મુખ્ય કાર્યમાં તો કેશવલાલભાઈએ તેથીયે વધુ ઉત્સાહભર્યો શ્રમ ઉઠાવ્યો છે. મૂળ પુસ્તકમાંથી કેટલાયે ભ્રષ્ટ, નષ્ટ, પ્રક્ષિપ્ત કે ઉચ્છિન્ન પાઠ તેઓ શોધી કાઢે છે, અને સંશોધનના અગ્નિમાં સમગ્ર વિક્રમોવર્શીયને તપાવી તેને વિશેષ વિશુદ્ધ બનાવે છે. ક્વચિત્ સંવાદની ઉલટસુલટ થયેલી લીટીઓને તે સરખી કરે છે, ક્વચિત્ ગદ્ય બની ગયેલી પંક્તિઓને પદ્યમાં મૂકે છે, ક્વચિત્ પ્રક્ષિપ્ત ભાગોને શોધી કાઢી દૂર હઠાવે છે, અને ક્વચિત્ ભાષાંતરને મૂળ કૃતિથી યે વધુ કમનીય બનાવે છે.