પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય-જીવન (૨)
૨૫૭
 


વધે, કલમ પાકટ થાય, ભાષા ઉપર પ્રભુત્વ આવે, તેમ તેમ મૂળ લેખક પણ પોતાની કેટલીયે ક્ષતિઓ દૂર કરત; અને છતાંયે કોઈ ખામીઓ તો તેની જાણ બહાર પણ રહી જાય. કેશવલાલભાઈ ભાષાંતર વખતે આ બધુંય ધ્યાનમાં લે છે.

સાચો ભાષાંતરકાર અર્થાત્ આદર્શ અનુવાદક એ પૂર્વજની ઊણપોની ઊંડી કૂઈમાં ડૂબવા નથી ઈચ્છતો; મૂળ લેખકનું આંધળું અનુકરણ કરી તે કૃતકૃત્યતા નથી જાણતો, કે તેની સર્જનશક્તિથી સ્વબુદ્ધિને છેક કુંઠિત નથી કરતો. તેને મન ભાષાંતર એ કાર્ય નથી, પણ કલા છે. તેનું કર્તવ્યભાન તેને કલાકારની દૃષ્ટિ અર્પે છે, અને મૂળમાં જે જે ઉણપ હોય કે ડાઘ હોય તે તે બધા દૂર કરવાને અને મૂળને વધુ દીપાવવાને પ્રેરે છે. સમર્થ ભાષાંતરકાર તો કેમેરા વડે એક છબીમાંથી બીજી છબી નથી પાડતો. તેને તો એક ચિત્ર ઉપરથી પીંછી વડે પોતાના પ્રાણ રેડી તેવું જ બીજું આબેહુબ ને અધિક સુંદર ચિત્ર ઉપજાવવું રહે છે. કેશવલાલભાઈ પણ આ જ આદર્શો ધ્યાનમાં રાખી સંસ્કૃત કૃતિઓને ગુજરાતીમાં ઉતારે છે તે પછી તેમની કૃતિઓને ભાષાંતર શાને કહેવું ? વસ્તુતઃ તો તેમનાં ભાષાંતરો તે ભાષાંતરો નથી, પણ કલાથી વધુ દીપતી મૂળની છાયા છે. આ દિશામાં તેઓ કવિ ભાલણને પોતાનો માર્ગદર્શક ગુરુ માને છે. બાણભટની ગદ્યાત્મક અને કવિત્વમય કાદંબરીને ગુજરાતી પદોમાં એ પાટણના કવિએ જેમ કુશળતાથી અને કલાથી ઉતારી અને તેને વધુ શોભાવી. તેમ ધ્રુવસાહેબ વફાદારીના ભોગે પણ કલાની દૃષ્ટિ સેવતાં સેવતાં મૂળની ઊણપો દૂર કરી તેને વધુ ઓજસ્‌વંતી બનાવે છે. ભાવવાહી ભાલણના આવા ભવ્ય ભક્તના ભાષાંતરકલાના આદર્શો ખરેખર પ્રશંસાપાત્ર જ છે ને ?