પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
સાહિત્યને ઓવારેથી
 

 ઈ. સ. ૧૯૦૦ માં ઇંગ્રેજી નોંધ સાથે પ્રસિદ્ધ થયેલી ‘મુદ્રારાક્ષસ’ની સંસ્કૃત આવૃત્તિ વિષેનો સવિસ્તર ઉલ્લેખ પહેલાંના લેખમાં કર્યો છે જ, એટલે અહીં તેની પુનરુક્તિની જરૂર નથી.

આમ ગુજરાતના આ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સાક્ષરની ઓગણીસમી સદીના અંત સુધીની સાહિત્યસેવાના ધોરી માર્ગે તેના માર્ગસૂચક પત્થરો નિરખતાં નિરખતાં આપણે દડમજલ કૂચ કરી છે. સાહિત્યસેવાનો પ્રદેશ કેટલો આહ્લાદક કે શ્રમજનક ને કેટલો સપાટ કે ખાડાટેકરાવાળો છે, એ બધું આપણી ઉતાવળી ને ઉડતી નઝરના કારણે કે આપણી નિરીક્ષણશક્તિના અભાવે હાલ આપણે નક્કી કરી શક્યા નથી. પણ ભાવિમાં વધુ ચોકસાઈ ને ચીવટથી વિચરતો અને બારીક નઝરે નિહાળતો કોઈ મુસાફર આ વિશાળ પ્રદેશનાં મૂલ્ય આંકી તેનાં સૌન્દર્ય સમજાવે, એ અભિલાષ અસ્થાને નથી.

અંતમાં, દૂર આવેલા કચ્છના પ્રદેશમાં કેશવલાલભાઈ સરસ્વતી સેવાનું પ્રેરક વાતાવરણ પ્રાપ્ત કરે છે, ને ત્યાંના મહારાવના રાજકુંવરના અધ્યાપક તરીકેની મુખ્ય પ્રવૃત્તિમાંથીયે વખત મેળવી તેમની ચિરસ્મરણીય કૃતિઓ આપે છે. લગભગ ચાર દાયકાના આયુષ્યમાં તો આ જ્ઞાનવૃદ્ધ સાહિત્યભક્ત પરપ્રાંતમાંયે ગુજરાતને પોતાની સંસ્કૃત વિદ્વતા વડે ગૌરવવંતી કરે છે, અને સંસ્કૃત સાહિત્યના મીઠા રસથાળ રુચિકર સ્વરૂપે ગુજરાતી વાચકને પીરસે છે. તેમ કરતાં કરતાં તેમને સૂક્ષ્મ સંશોધક થવું પડે છે, ને વિદ્વાન વિવેચક બનવું પડે છે. અર્ધી સદી સુધી સતત અને મૂલ્યવાન સાહિત્યસેવા કરતા આ વૃદ્ધ સરસ્વતીપુત્રને હજું કંઈ કંઈ આપવાના કોડ છે. દેવોના વૈદરાજ અશ્વિનો આ દેવીપુત્રને