પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૬૩
 

 મારા પ્રથમ લેખમાં શ્રી. મોતીભાઈને કરેલી એક બે નમ્ર સૂચનાઓ–તેમના કાર્યની અને કાર્યપ્રદેશની સંકુચિત મર્યાદાઓ વિષેની–અમૃતલાલ ઠક્કર સાહેબને પણ અતિશય ગમી ગઈ; અને અમીનસાહેબના દોહિત્ર શ્રી મહેન્દ્રભાઈને પણ ખૂબ પસંદ પડી. એ સૂચનાઓનું હાર્દ શ્રી. અમીનના અનેક પ્રશંસકો અને સ્નેહીઓને હજુ પણ સત્ય અને સ્વીકાર્ય લાગતું હશે. પણ દૃઢ સંકલ્પવાળું લોખંડી માનસ ધરાવનાર મોતીભાઈ સાહેબની વિચારસરણી કે કાર્ય પદ્ધતિ ઉપર તેની કાંઈ ઓછી જ અસર થઈ શકે છે ? દીવાન કચેરીની આકર્ષક નોકરી છોડી દઈ સ્વેચ્છાથી હેતુપૂર્વક શિક્ષક થયેલા અમીનસાહેબને લોકકેળવણી પણ વિદ્યાર્થીકેળવણીના જ એક અંગ જેવી લાગી; અને પ્રાપ્ત કરેલા અક્ષરજ્ઞાનને ટકાવવા માટે જ્ઞાન–પરબોની અર્થાત્‌ પુસ્તકાલય સંસ્થાઓની જરૂર જણાઈ. પુસ્તકાલય ખાતાના આ અમલદારનું માનસ મૂળ તો એક શિક્ષકનું જ હતું. શિક્ષણની જ દૃષ્ટિ સેવતાં તેમણે પુસ્તકાલય પ્રવૃત્તિને શ્રીમંત મહારાજા સાહેબના શુભ પ્રોત્સાહનથી આખા વડોદરા રાજ્યમાં વ્યાપક બનાવી. આવી શિક્ષકવૃતિએ જ તેમને છાત્રાલય પરિષદો, વિદ્યાર્થીસંમેલનો અને કેળવણી સંસ્થાઓમાં સક્રિય રસ લેતા કર્યાં; અને હરિજન પ્રવૃત્તિ તરફ પણ તેમની પ્રીતિ ઉપજાવી. ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ., વડોદરાનું ચરોતર બોર્ડિંગ, અને કેળવણી, પુસ્તકાલય તથા સહકારી ધોરણની સંસ્થાઓ વિષેની સાર્વજનિક પ્રવૃત્તિઓ આ એક જ પ્રધાન, પ્રેરક અને પાવનકારી વૃત્તિમાંથી ઉદ્‌ભવી છે. તેઓ પોતે પણ લખે છે કે:–

“પણ પુસ્તકાલય ખાતામાં નોકરી કરતાં પણ શિક્ષક થવાના કોડ મેં અનેક રીતે સેવેલા; અને શાળાઓ, શિક્ષકો