પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૬૫
 


તે બધાની પાછળ પણ એક વિશિષ્ટ લક્ષણ તેમના સકળ જીવન ઉપર અધિકાર ભોગવે છે; અને આ છે તેમની ઉદાત્ત માનવતા. આ માનવતા શિક્ષણનાં ક્ષેત્રોને પ્રધાનતઃ આવરી લે છે; પણ તેનો પ્રબળ પ્રવાહ આટલાં જ ક્ષેત્રોમાં સમાઈ ન જતાં ઉભરાઈને અન્ય પ્રદેશો તરફ પણ ધસે છે. આની સાબીતી માટે તેમનાં પોતાનાં જ વચનો કરતાં કયો વધુ વિશ્વસનીય પુરાવો હોઈ શકે ? તેઓ પોતે જ જણાવે છે કે:

“મારો વિષય હવે એકલો કેળવણી કે સમાજસુધારો નથી રહ્યો; પણ ખેતી, વણાટ અને બીજા તેવા જ વિષયો તરફ મારૂં મન વળ્યું છે. શાળાઓની સાથે ગ્રામપંચાયતો અને સહકારી મંડળીઓની સુધારણા તરફ લક્ષ દોરાયું છે. ઉજળિયાત વર્ગોના પ્રશ્નો સાથે હરિજનો અને પછાત વર્ગોના પ્રશ્નો પણ વિચારાય છે.”[૧]

આથી પુનઃ વિચારતાં જણાય છે કે શ્રી. મોતીભાઈ કેવળ સરસ્વતીમંદિરના દ્વારપાળ જ નથી; પણ એથીય વધુ, ઉદાત્ત માનવતાથી ઉભરાતા એક હિંદી છે. પોતાના વતન વસો જેવા ચરોતર પ્રદેશના એક સ્થળનું કે પેટલાદ જેવા એક તાલુકાનું સેવાકાર્ય કરતાં કરતાં તેમણે ગુજરાત અને અખિલ ભારતની વિશાળ ભાવનાને જ પોષી છે, એમ તેમના નિખાલસ નિવેદન ઉપરથી જણાય છે. તેઓ કહે છે કે: “હિંદના કે ગુજરાતના એક નાનકડા ભાગ તરીકે જ આ નાના ક્ષેત્રમાં હું કામ કરું છું. . . અને વસોને એક પ્રયોગશાળા (લેબોરેટરી) ગણું છું.”[૨]


  1. ૪ જુઓ ‘ચરોતર’ વર્ષ ૬, અંક ૧૨, પૃ. ૪૨૧
  2. ૫ જુઓ ‘ચરોતર’ વર્ષ ૬, અંક ૧૨, પૃ. ૪૨૧