પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
સાહિત્યને ઓવારેથી
 


બેઠકમાં ઘણાથી વહેલા જઈ અને સૌથી પાછળ બહાર નિકળી મેં એ નામ બરાબર શોભાવ્યું છે. દ્વારપાળ આમ જ કરે ને ?” સાથેના અનેક મિત્રો કેવળ અટ્ટહાસ્યના વાતાવરણમાં જ આવી ગયા.

બીજું ઉદાહરણ વસોના ગોપાળદાસ બાગમાં આવેલા બાલમંદિર પરનું છે. તેના ક્રિડાંગણમાં બાળકો માટે તૈયાર કરાવેલે હીંચકે એક નાની બાળકી ઝોલા ખાતી હતી. અમીનસાહેબ મને બધું બતાવતા હતા. બાળકી પાસે આવતાં તેમણે કહ્યું: “કેમ, શું કરો છો ?” પ્રત્યુત્તર: “હીંચકા ખાઈએ છીએ.” અમીનસાહેબે પોતાની લાકડીથી હીંચકો અટકાવી કહ્યું “અમે નહિ ખાવા દઈએ.” બાળકી કહે: “તો હું તમને મારીશ–મારી નાખીશ.” (બાળકીનો આત્મવિશ્વાસ ને હિંમત એ બાલમંદિરને આભારી હશે, પણ હિંસકવૃત્તિ તો આપણા સમાજનાં માબાપોની જ હિંસકવૃત્તિનો પડઘો લાગે છે.) અમીનસાહેબ કહે: “ત્હોય ઝોલા ખાવા નહિ દઈએ.” પુત્રવિહોણા આ કાર્યકર્તા પારકાંના બાળકો તરફ પોતાનાં જ અપત્યના જેટલું વહાલ દાખવે છે, અને તેમને વિનોદથી રમાડે છે. શિક્ષકો પણ કોઈ બાળકને તુંકારથી એકવચનમાં સંબોધતા નથી, ને તે રીતે બાળપણથી જ તેમનામાં સ્વમાન અને સન્માનની ભાવના જાગૃત કરવામાં આવે છે. શારીરિક શિક્ષાનો સંપૂર્ણ પ્રતિબંધ એ તો શ્રી. મોતીભાઈની દેખરેખ હેઠળ ચાલતી વસોની કેળવણી સંસ્થાઓનું એક વિશિષ્ટ લક્ષણ છે.

ત્રીજો પ્રસંગ પણ ગોપાળદાસ બાગમાં આવેલી ઇંગ્રેજી શાળાનાં બાળકોનો છે. અમે બીજા ધોરણના વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે અંગ્રેજી શ્રુતલેખન (Dictation) ચાલતું હતું.