પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
સાહિત્યને ઓવારેથી
 


ત્યારે જ તે આગળ ચાલી ! આવા વાતાવરણમાં સાંજના પાણીથી ભરેલા પાત્રને માથે મૂકીને ઘર તરફ પાછા ફરતા અનેક માણસો અમે જોયા. અમીનસાહેબ તો આ જાદુઈ પાણીમાં શાની શ્રદ્ધા ધરાવે ? પણ તે વિષે તેમણે ઘણું સાંભળ્યું હતું. ગામડિયાઓના ભોળપણનો અમને ચોક્કસ ખ્યાલ આપવાના શુભ હેતુથી તેમણે એક વટેમાર્ગુને કહ્યું: “કેમ ઠાકોર, આ પાણી સવારમાં કડવું હોય છે, બપોરે તૂરૂં લાગે છે, ને સાંજે ગળ્યું લાગે છે, એ ખરી વાત કે ?” જવાબ: “હા, બાપજી; તદ્દન સાચું. આ તે કંઈ પાણી છે ! નરી જાદૂઈ દવા જાણે ! રોગ માત્ર તેનાથી મટે છે. ભગવાને જ જાણે અમ સરખા ગરીબો માટે મોકલ્યું લાગે છે,” એમ કહી તે ચાલતો થયો. વિનોદના મૂળમાં રહેલી ગંભીરતા અમે ત્યારે સંપૂર્ણ સમજી શક્યા. કેવળ વિનોદ ખાતર હાસ્ય ઉપજાવવાની કળા પણ આ ગંભીર લાગતા પુરૂષને સહજ છે એ જાણી ઘણાને આશ્ચર્ય થશે, આથી વિશેષ ઉદાહરણ સપ્રમાણતાનો ભંગ કરે તે ભયે હું જતાં કરૂં છું.

નીડરતા પણ વાજબી પ્રસંગોએ અમીનસાહેબ અણનમ રીતે બતાવી શકે છે, કારણ કે પોતે અંગીકૃત કરેલા કાર્યમાં યત્કિંચિત્ સ્વાર્થને પણ તેઓ સ્થાન આપતા નથી. ભયના માર્યા પોતાનું મંતવ્ય ફેરવવું કે અન્યની ખુશામત કરવી તે આ ચરોતરી પાટીદારના સ્વભાવમાં જ નથી. પોલિસખાતું, રેવન્યુખાતું, કે કેળવણીખાતું તેમને પોતાની સત્તાથી આંજી શક્યું નથી, કે શેહથી ડરાવી શક્યું નથી. તેમની નિસ્વાર્થ વૃત્તિ વડોદરા રાજ્યના દીવાનસાહેબ સુધીયે વાજબી ફરિયાદ માટે પહોંચી જવા જેટલા તેમને નીડર બનાવે છે. નિખાલસતા તો