પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૭૫
 

 મરણોત્તર સ્થિતિ માટે પણ આટલો નિર્મોહ ને નમ્રભાવ સેવતા અમીનસાહેબ કેટલા મહાન અને પ્રશંસાપાત્ર છે ? ‘માનવસાગરનું પોતે એક બુદ્‌બુદ; મહાન ભેખધારી આગળ પોતાની સેવા તો કેટલી અલ્પ ને તુચ્છ છે !’ આ જ ભાવ તેમના હૃદયને હંમેશાં શુદ્ધ અને પવિત્ર રાખે છે.

આજ સુધીમાં તેઓએ તનથી, મનથી તેમજ ધનથી ચરોતરની અને ખાસ કરીને પેટલાદ તાલુકાની ને વસોની વિવિધ સેવાઓ કરી છે, તથા તે રીતે ગુજરાતને પણ ઋણી કર્યું છે. પોતે હાથ ધરેલી હરકોઈ જાહેર સંસ્થામાં તેમણે ઉદાર ને પ્રસન્ન ચિત્તે સારો આર્થિક ફાળો આપ્યો છે, ને આમ વિત્તૈષણાથી પર થવાનો પ્રયત્ન કર્યો છે.

આજે તેઓ બાળકેળવણીના, પ્રાથમિક કેળવણીના ને સહકેળવણીના પ્રયોગો કરી રહ્યા છે, અને તેના જટિલ પ્રશ્નોને ધરમૂળથી વિચારતા જાય છે. કુમાર અને કુમારીઓનાં સામાજિક કર્તવ્યો ભિન્ન હોવાથી સહકેળવણીને બદલે તેમની જરૂરિયાતોને ઉચિત જૂદી કેળવણી આપવી જોઈએ, ને તે જ કેળવણી વધુ સફળ થાય; કેળવણી તે કોઈ રાજકારણની દાસી નથી, અને તેનું દૃષ્ટિબિંદુ કેવળ એક રાષ્ટ્ર નહિ, પણ સમગ્ર જગત્ હોવું જોઈએ. આવાં આવાં તેમનાં મંતવ્યો કેવળ કલ્પનામૂલક નથી, પણ સંગીન અનુભવ ઉપરથી જ રચાયેલાં છે. કેળવણીની વાસ્તવિક ગૂંચને તેઓ સ્વતંત્ર વિચારશક્તિથી નિરખે છે, ને શક્ય હોય ત્યાં તેમને ઉકેલે છે. પ્રાથમિક કે માધ્યામિક શિક્ષણ આપતી શાળાઓમાં હુન્નરઉદ્યોગની આવશ્યકતા જ્યારે આજે ખૂબ ચર્ચાસ્પદ વિષય બની શિક્ષિત વર્ગનું ધ્યાન ખેંચી રહી છે, ત્યારે વસોની એ. જે. હાઈસ્કૂલે તો શ્રી. મોતીભાઈની પ્રેરણા