પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
સાહિત્યને ઓવારેથી
 


સંયમ તેમને પ્રિય છે; અને અતિશયોક્તિ ને આડંબર તો તેમના આગળ ટકી શકતાં જ નથી. હજુ બે વર્ષ સુધી તેઓ પોતાનું પ્રવૃત્તિમય જીવન આમ ચાલુ રાખનાર છે, અને પછી ઈશ્વરેચ્છા હશે તો તેમાંથી નિવૃત્તિ લેશે. એ નિવૃત્તિસમયમાં તેઓ પોતાના વિદ્યાર્થીજીવનનાં મધુર સંસ્મરણો અને પોતાના જાહેરજીવનનાં મીઠાં સંભારણાં જનતાની જાણ માટે વિગતવાર લેખ રૂપે પ્રસિદ્ધ કરશે એવી હું સકારણ આશા રાખું છું. સાર્વજનિક કાર્યોની જવાબદારીમાંથી મુક્ત થતાં તેઓ વિષે સર્વને ઘણી ચોક્કસ હકીકત જાણવાની મળશે. ત્યારે ય જો ગુજરાત આવા અનુભવી અને સેવાશીલ કાર્યકર્તાનો લાભ ઉઠાવવા જેટલું જાગૃત થાય છે તો તેને મહાન્‌ સદ્‌ભાગ્ય ગણાશે. ‘સાઠી’માંયે કુશાગ્ર બુદ્ધિ, નિર્મળ મન અને અખૂટ ઉત્સાહ ધરાવતા ચરોતરના આ સપૂત ઉપર ઇશ્વરના ‘શરદઃ શત’ ના આશીર્વાદ ઊતરો અને તેમની પાવનકારી પ્રવૃત્તિઓનો પ્રવાહ અખંડિત રીતે ચાલુ રહે એ જ આપણી તેમના તરફની શુભેચ્છા હોઈ શકે. ગરવી ગુજરાત તેમના નિઃસ્વાર્થ કાર્યને આગળ ધપાવીને જ વધુ ગૌરવવંતી બનશે, અને ત્યારે જ તે તેમની મહત્તાનાં સાચાં મૂલ્ય આંકી શકશે.*[૧]





  1. મોતીભાઈ સાહેબના દુઃખદ અવસાનની પ્રથમ ખંડમાં નોંધ લેવામાં આવી છે જ.—કર્તા