પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
સાહિત્યને ઓવારેથી
 


“વિવેચકની નિપક્ષ વૃત્તિ સાથે સર્જકની કલાદ્રષ્ટિ એમાં તરવરી રહે છે…… શ્રી. શાસ્ત્રી વ્યક્તિઓને ઓળખાવીને એ વ્યક્તિઓને સાહિત્યની સમીક્ષા બહુ સુંદર ને કલાત્મક રીતે કરે છે…… આલેખન સચોટ છે……સરસ છે; સ્પષ્ટ વક્તવ્યવાળું છે તેટલું સમતલ છે…… પ્રો. શાસ્ત્રીએ તેમના ઊંડા અભ્યાસના ફળરૂપ આ સાહિત્યવિવેચનનું મૂલ્યવાન પુસ્તક આપીને ગુજરાતમાં સાહિત્યકારોની ચરિત્રાવલીઓની જે એક ઊણપ છે તે પૂરવામાં પ્રશસ્ય ફાળો આપ્યો છે.” (રાજસ્થાન)

“ગુજરાતના સંસ્કાર અને સાહિત્યસ્વામીઓનાં વ્યક્તિત્વની પિછાન આ શબ્દ–ચિત્રાવલીઓ દ્વારા અને આકર્ષક રીતે રજુ કરી છે. પ્રો. શાસ્ત્રીએ એમના અનુગામીઓ માટે એક નવો માર્ગ દેખાડ્યો છે.

શૈલી રોચક, મીઠી અને રજુઆત કલાયુક્ત હોય તો વ્યકિતઓનાં રેખાચિત્ર પણ નવલિકા અને વાર્તાઓ જેવાં આકર્ષક બનાવી શકાય એ પ્રો. શાસ્ત્રીએ આ પુસ્તક આપણને આપી સિદ્ધ કરી બતાવ્યું છે.…… વ્યક્તિઓને પારખવાની એમનામાં જે સુંદર શક્તિ છે, તેનો લાભ લેઈ ગુજરાતનાં અન્ય ક્ષેત્રોમાં ઘુમતી પ્રસિદ્ધ વ્યક્તિઓનાં રેખાચિત્રો આંકી પ્રો. શાસ્ત્રી ઇંગ્લેન્ડના એ. જી. ગાર્ડિનરની માફક ગુજરાતનાં જીવનને ઘડનાર અન્ય વિભૂતિઓની શબ્દ–છબી આપે એવી આશા આપણે જરૂર સેવીએ.”(મુંબઈ સમાચાર)

“પુસ્તક મને ગમ્યું છે… જીવન્ત સાક્ષરોની શબ્દચિત્રાવલી છતાં વિવેકબુદ્ધિ ભૂલ્યા નથી, તે માટે ધન્યવાદ.” (શ્રીમતી હંસા મહેતા)