પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૧૯
 


પર થઈ ઠેઠ વાઇસરોય જેવા બ્રિટિશ સલ્તનતના પ્રતિનિધિને મળતી વખતે પણ જેમણે ધોતિયાના પહેરવેશનું અપવાદ રૂપેય ઉચ્ચ સ્થાન સાચવ્યું હોય, તેવા આધેડ વયના, અગ્રગણ્ય અને સરકારી માનપાન પામેલા ગુજરાતી ગૃહસ્થોમાં ગણના થઈ શકે તેમ છે. સર પ્રભાશંકર પટ્ટણીની, સ્વ. સર લલ્લુભાઈ મહેતાની અને પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવની. પાટલૂન પહેરવાનાં પ્રલોભનો ઊભાં થવા છતાં ગાંધીયુગના પુરોગામી સુધારાયુગમાં ય તેઓ પાટલૂનની પરાધીનતા દૂર રાખી શક્યા તે એક ગૌરવભરેલી–બીના છે. મહારાષ્ટ્રના સાદાઈભર્યાં જીવનમાં, કે હાલના ગુજરાતના રાષ્ટ્રીય વાતાવરણમાં આ વસ્તુની આટલી ઉચ્ચ કિંમત આજે ન અંકાય એ સંભવિત છે.

અસ્પૃશ્યતા માટે આનંદશંકરભાઈના વિચારોમાં કેટલાકને એક વખત અસંબદ્ધતાની ગંધ આવી, અને તેથી તેમણે તે વાતને છાપાને પાને ચઢાવી. પણ ન્યાયની ખાતરેય જણાવવું જોઈએ કે ધ્રુવ સાહેબ અંતઃકરણથી જ અસ્પૃશ્યતામાં માનતા નથી. તેમણે અસ્પૃશ્યતાનિવારક મંડળોની સભામાં ખુલ્લે દીલે હિંમતભેર ભાગ લીધો છે, ને મજૂર મહાજન તરફથી અંત્યજ મજૂરો વચ્ચે કામ કર્યું છે. વિશેષમાં, આ મહાજનના અંત્યજ પ્રતિનિધિઓને બનારસમાં પોતાને ઘેર અતિથિ તરીકે સત્કાર્યા છે ! સનાતનીઓને કદાચ આમાં આર્ય સંસ્કૃતિ અભડાઈ જતી લાગશે !

આનંદશંકરભાઈના ખાનપાનના વ્યવહાર વિશેના વિચારો સનાતન સંપ્રદાયને બંધબેસતા છે; ને ભોજનવ્યવસ્થા માટે તો તેઓ પોતાની સાથે નાગર રસોઈયો પણ રાખે છે. તેમની આ દૃઢ થયેલી ને સહૃદયતાથી અંકાયલી માન્યતાઓ માટે આપણે તેમનું મન દૂભવવાનું કારણ નથી. નાગરત્વ માટે તેમને નાગરિકતા કરતાં