પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કવિ ન્હાનાલાલ

અને હવે લઈએ આપણી ગરવી ગુજરાતના ગૌરવવંતા કવિ ન્હાનાલાલ. સારાયે ગુજરાત કાઠિયાવાડનાં શહેર તથા ગામડામાં ઘૂમનાર, કુદરતી દૃશ્યોમાં રાચનાર, આર્યસંસ્કૃતિને વખાણનાર, અને અંધાર-ઉજાળતા બ્રહ્મવર્ચસને પૃથ્વી ઉપર ઉતારવાનાં સ્વપ્ન સેવનાર આ યુગકવિ કેટકેટલા રસપ્રદ ગ્રંથોની ગુજરાતી સાહિત્યવર્ગને લ્હાણી કરે છે, અગદ્યાપદ્યના આદ્યસ્રષ્ટા ને ડોલન શૈલીના આ હિમાયતી કવિતા–દેવીની આજે પણ ઉત્કટ ને આદરભરી સેવા કરે છે, અને આખરી સંગ્રામમાં મરણીઆ થનાર સૈનિકના નિઃસીમ ઉત્સાહથી ‘વન’માં પ્રવેશ પૂરો કર્યા પછી પણ યૌવનને શરમાવે તેવો સાહિત્યશ્રમ કરી રહ્યા છે.

કવિત્વનો વારસો મેળવનાર, ‘કવિ’ શબ્દને સાર્થક કરનાર, આ ક્રાન્તદર્શીએ આર્યાવર્તને, આર્યકુલને, અને આર્ય મનુજ ને મહિલાઓને માટે કેટકેટલું કવ્યું છે ! ‘ઇન્દુકુમાર’ અને મનોહર ‘ઉષા’ દ્વારા તેમણે યુવાનોની અભિલાષા અને આદર્શો વ્યક્ત કર્યા; રાસનું સાહિત્ય ખેડી દયારામ, દલપતરામ, નવલરામ વગેરેને વધુ મહિમાવંતા બનાવ્યા, અને ગુર્જર સુંદરીઓને વીરાની વીરપસલીથી ઋણી બનાવી. ‘જયા અને જયન્ત’ વડે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો સંદેશો આપી તેમણે પ્રેમનાં વિવિધ સ્વરૂપ નીરખ્યાં; ઈતિહાસના પાઠ પઢી ભૂતકાળમાં નજર કરી, વર્તમાનને નિહાળ્યો, અને ભવિષ્યની સીમાઓ ઉચ્ચારી. મૂર્તિમાન બની જગતને સંબોધતા ત્રણે કાળને તેમણે ‘જયા-જયન્ત’માં વાચા દીધી; કાળને કાંઠડે બેસી કાળની