પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિ ન્હાનાલાલ
૨૯
 


કવિ તે સ્વભાવે કવિ જ છે, ને તેથી તેમનું નાટ્યકારત્વ–વિવેચનની માફક જ–કવિત્વ જેટલું સફળ નથી થયું. તેઓ પ્રથમ કવિ છે, પછી નાટ્યકાર છે, ને પછી વિવેચક છે. નાટકોમાં તેઓ જીવનના ગૂઢ સવાલોને કે આત્માના કૂટ પ્રશ્નોને તત્ત્વચિંતકની, સૌન્દર્યદ્રષ્ટાની કે ભક્ત હૃદયવાળા કવિની દ્રષ્ટિથી છણે છે. ‘બાદશાહનામાં’નાં બે પ્રસિદ્ધ નાટકોની ત્વરિત પ્રસંગમાળા બાદ કરીએ તો કવિનાં અન્ય નાટકોમાં કાર્યની ગતિ બહુ મંદ હોય છે, ને સ્પષ્ટ પાત્રનિરૂપણ કે સૂક્ષ્મ પાત્રવિકાસ પણ બહુ ધ્યાન ખેંચે તેવો હોતો નથી. તેમનાં પાત્રો અપાર્થિવ ને તેમની ભૂમિકા ઉચ્ચ; સર્વત્ર સત્યનો જ વિજય ને આદર્શોનો જ પમરાટ. સંસારમાં નજરે જોઈએ છીએ તેવી વિજય પામતી દુષ્ટતાઓ કે જગતજંજાળોને વાસ્તવિક ને વ્યવહારૂ ઉકેલ જેવું બહુ થોડું જણાય. પણ આ બધું શાને હોય ? કારણકે કવિ તે કલ્પનાવિહારી છે, આદર્શોના અભિલાષી છે.

કેટલાક આધુનિક વિવેચકો કહે છે કે મહાકાવ્ય લખે તે મહાકવિ. કવિનું ‘બાદશાહનામું’ કે ‘કુરુક્ષેત્ર’ આપણી આ મહાકાવ્યની આશા પૂરશે કે ? કવિ તે આ યુગના મહાકવિ છે, પણ તેઓ સર્વકાલીન મહાકવિ ગણાય ત્યાર પહેલાં તો આપણને તેમનામાં કાલીદાસની વ્યંજના ને કલા, અને શેક્સપીઅરનું માનવહૃદયનું સૂક્ષ્મ અવલોકન ને તેનું સ્વંયવિકાસ પામતું વિવિધ પાત્રનિરૂપણ વગેરે દ્રષ્ટિગોચર થવું જોઈએ ને ?

કવિ ન્હાનાલાલને છંદોબદ્ધ રચના પણ હસ્તસિદ્ધ છે. ‘પ્રભો અંતર્યામી,’ ઉત્તરાયણ વખતનું કાવ્ય, પિતૃતર્પણ, મેઘદૂતનું ભાષાંતર અને અન્ય છૂટાછવાયાં કાવ્યો તેના સબળ પુરાવા છે, પણ તેમાંએ પાછો યતિભંગ આવે કે શ્લોકમાં