પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સાહિત્યને ઓવારેથી
 


વિરોધી બને, કારણકે કવિસ્વભાવ સ્નેહમાં તેમજ વિરોધમાં બહુ તીવ્ર છે. તેથી જ એ તીવ્ર આવેશમાં અસહિષ્ણુતા તેના સુર પુરાવી કવિહૃદયની ઉદારતા ઉપર વિજય મેળવે છે, ને તેમને મિત્રોમાં ને સમાજમાં ક્વચિત્ અપ્રિય બનાવે છે. તેથી જ કરીને કવિએ કેટકેટલા કલહ કર્યા ને કેટલાયના ગાઢ સ્નેહસંબંધ જતા કર્યા. નીડરતા, આવેશ ને અસહિષ્ણુતાને લીધે કેટલાયને કવિ ન્હાનાલાલ મનુષ્ય તરીકે બહુ પ્રાકૃત લાગે છે, પણ ન્યાયની ખાતર જણાવવું જોઈએ કે કવિ તે કવિત્વના ઉચ્ચ મેરુ શિખરે વિરાજેલા હોઈ મનુષ્ય તરીકે છેક તળેટીએ ઉભેલા દેખાય છે. આ લાક્ષણિક સ્વભાવને લીધે તે કવિને પણ ઓછું શોષવું પડ્યું નથી ! નહિ તો તેમણે અસહકારના વખતમાં દેશદાઝે પ્રેરાઈને કરેલો નોકરીનો ત્યાગ, તેમના સુવર્ણ મહોત્સવના પ્રસંગો, ને તેમનો સાહિત્ય પરિષદ સાથેનો અસહકાર આમ આજે આપણે માટે દુઃખભર્યાં સ્મરણના જ વિષયો ના બને. કોઈક અધન્ય પળે ગાંધીજી સાથે તેમને ખડાખાષ્ટાં થયાં, ને ત્યારથી કવિનું જાહેર જીવન વણખીલ્યું જ રહ્યું. પણ ગુજરાતને તેથી લાભ જ થયો છે. આ પ્રતિકૂળ સંયોગોએ જ કવિની કવિત્વશક્તિને એકાગ્ર કરી ને તેને પૂરબહારમાં પ્રફુલ્લાવી. સાચા હૃદયના આ કવિની જાહેર, સામાજિક કે રાજકીય સેવાઓ દેખાઈ ના દેખાઈ ને અદીઠ બની. એક સૂચના કરી લઉં ? નિષ્પક્ષપાત રીતે બંને પક્ષનું સાંભળી શુદ્ધ ન્યાય આપી કવિને સંતોષી કે અદ્ભુત પ્રેમબળે તેમને જીતી લેઈ વિદ્યાપીઠ ને સાહિત્યપરિષદ સાથેનાં કવિનાં રૂસણાં છોડાવનાર આખા ગુજરાતમાં કોઈ પણ નહિ હોય ? મહાત્માજી પણ તેમને ના અપનાવી શકે ? સંયોગો જોતાં માત્ર આટલી સૂચનાથી જ સંતોષ માનવો રહ્યો.