પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સાહિત્યને ઓવારેથી
 


પાસા ફેંકનાર તરીકે તેમને ઘણા જણ ઓળખે છે. તેઓ પળેપળનો અને પ્રસંગે પ્રસંગનો સદુપયોગ કરી જાણે છે, અને તેથી જ તેઓ કેટલીયે કાર્યસિદ્ધિ કરી શકે છે. તેઓ અમદાવાદમાં કેસ માટે કે કમિટિ માટે આવે, ને થોડી ફુરસદની પળોમાં બીજા કેટલાંયે મહત્ત્વનાં કાર્યોમાં ભાગ લે, અને ભાષણો પણ રાખે. પણ એવાં બધાં ભાષણોનાં મૂલ્ય એકસરખાં ક્યાંથી હોય ? અમદાવાદમાં ‘સાહિત્યના પંચદેવ’ની પિછાન આપનારા ભાષણમાં જે અનેરી ભાત હતી, નડિઆદના ‘ગુજરાત : એક ભાવના’ એ ભાષણમાં જે સર્વગ્રાહી સમાલોચના અને અદ્‌ભુત આશાવાદ હતાં, એ કાંઈ બધાં જ ભાષણમાં ઓછાં હોય છે ? ‘સાહિત્યનાં ઋણ’નામે અમદાવાદના એ ભાષણ વખતે તો કેટલાક શ્રોતાઓને લાગ્યું કે ગુર્જર સાહિત્યના ખંડો રચનાર અને ડો. કેતકરને ગુજરાતી જ્ઞાનકોષમાં સ્હાય આપનાર મુનશીની ભાષા કેમ આમ ઠોકરાઈને વ્યાકરણદોષોથી કલુષિત બનતી હતી ? પણ આ અસંબદ્ધતા તે જ મુનશીની વિવિધતા છે ને ? મુનશી એમની અદ્‌ભુત શક્તિથી કેટકેટલું લખી લખીને ફેંકી દે છે ? કોઈ મિત્રોની સ્હાયથી ને અઢળક લક્ષ્મીના બળથી તૈયાર સાધનો મેળવી મુનશી તેમને પોતાની સર્વગ્રાહી અને સચોટ દૃષ્ટિથી વ્યવસ્થિત કરી ઓપ આપે છે, ને તેમનું સુયોગ્ય સંવિધાન કરી જનતા માટે જાહેરમાં મૂકે છે; અને પછી તેમને પોતાની કૃતિઓનાં વિવેચનો વાંચવામાં, તેમનાં લાલિત્યભર્યા શબ્દોમાં વખાણ સાંભળવામાં, અને ટીકાકારોના સખત ટીકા–પ્રહારો ઝીલવામાં ખૂબ મઝા પડે છે. તેમની ચકોર બુદ્ધિથી આવી ટીકા કે પ્રશંસાનું માપ આગળથી કાઢી લે તે માટે તેઓ તૈયાર જ રહે છે, ને તેમાં જ તેઓ રાચે