પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૪૩
 


અને શ્રી. મુનશી કેવળ નવલકથાકાર જ નથી; નાટ્યકાર તરીકે પણ તેમનું સ્થાન વિશિષ્ટ રીતે નોંધપાત્ર છે. સબળ પાત્રાલેખન, વેગવંત કાર્યપ્રવાહ, સુક્ષ્મ હાસ્યરસ, કૌશલભરી સંયોજનકલા અને વાસ્તવિકતા, તથા તે બધામાં તરી આવતી ઉલ્લાસિતા તેમનાં નાટકોમાં પણ ધ્યાનપાત્ર બને છે. પણ તેમનાં આ નાટકોના બે પ્રકારો છે; એક વિનોદપ્રધાન નર્મવૃત્તિથી લખાયેલાં નાટકોનો, અને બીજો તે સમાજ, ઇતિહાસ કે પુરાણનો આશ્રય લેઈને ગંભીરતાથી રચાયેલાં નાટકોનો પ્રથમ પ્રકાર તે ‘ગાંભીર્યના ઈજારદારો’એ વાંચવા જેવો નથી તેમ કર્તા પોતે જ જણાવે છે. આ વિનોદપ્રધાન નાટકોમાં હૃદયના ઉદાત્ત ભાવો, સૂક્ષ્મ મનોમંથન, કે જીવનનું કોઈ અનુકરણીય તત્ત્વચિંતન સ્વલ્પાંશે જ વાચકને અનુભવગોચર થાય છે. ‘કાકાની શશી,’ ‘બ્રહ્મચર્યાશ્રમ,’ ‘સામાજીક નાટકો’–અને ‘સ્નેહસંભ્રમ’ નામે નવલકથા પણ–બધાં જ અગંભીરવૃત્તિથી રચાયાં છે; અને બહુધા તેમાં ગાંભીર્ય, નીરસતા કે માનવજીવનના કોઈ ક્ષુદ્ર સ્વરૂપ કે લક્ષણને બહાર લાવી તેની ઠેકડી કરવાનો જ હેતુ હોય છે. આથી ઉલટું, તેમનાં ‘પૌરાણિક નાટકો’માં–ને તેમાંયે ‘તર્પણ’ ને ‘પુત્ર સમોવડી’માં– તથા ‘ધ્રુવસ્વામિનીદેવી’માં માનવજીવનની મહત્તા, રાષ્ટ્રની અસ્મિતા, પ્રબળ વીરતા, નિઃસીમ સ્વાર્પણ ને ચિત્તાકર્ષક સંઘર્ષણ વાચકવર્ગને વિસ્મયવશ કરી મંત્રમુગ્ધ બનાવી દે છે ?

હમણાં હમણાં તો શ્રી. મુનશીની કલમ નવલકથા કરતાં નાટક તરફ જ વધુ ઢળતી જાય છે, અને આ વૃત્તિ તેમનામાં કેટલી પ્રબળ થતી જાય છે, તે ‘લોપામુદ્રા’ના અંક જોવાથી આપણને સમજાય તેમ છે. પણ એકંદરે તો નવલકથા