પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૪૫
 


પુસ્તકોને હાથમાં લીધા પછી વાચક ભાગ્યે જ તેમને અપૂર્ણ મૂકી દઈ શકે. અને તેમાંયે ‘નરસૈયો: ભક્ત હરિનો’ ની પ્રસ્તાવનામાં સ્વાધ્યાય, તુલનાત્મક દૃષ્ટિ ને સૂક્ષ્મ સંશોધનવૃત્તિ ઈત્યાદિ લક્ષણો તેના વિદ્વાન લેખક તરફ માન ઉત્પન્ન કરે તેવાં છે. અધીરા ને ત્વરાપ્રિય સરજનહારને અહીં વિચારશીલ વિદ્વાન ને ગહન સંશોધક બનતા જોઇને વાચકહૃદયમાં તેમના તરફ સાશ્ચર્ય આદર થાય છે. જો કે તેમાં વકીલને શોભે તેવું સ્વપક્ષસમર્થન, પક્ષૈકદૃષ્ટિ ને ચાતુર્ય ઇત્યાદિ અપથ્ય અંશો નજરે પડે છે, છતાં એકંદરે તો આ કૃતિની પ્રસ્તાવના શ્રમસાધ્ય વિદ્વત્તાથી અંકિત હોઈને નરસિંહ મહેતાની સાહિત્યસેવા ને જીવનકાળ માટે કીમતી દીવાદાંડીની ગરજ સારે તેવી છે.

જેલનિવાસના થોડાક માસ, ને શ્રી. મુનશી થોકબંધ સાહિત્યસર્જનો સાથે બહાર આવ્યા. ‘બ્રહ્મચર્યાશ્રમ,’ ‘નરસૈયો ભક્ત હરિનો,’ ‘શિશુ ને સખી’ અને ‘ગુજરાત એન્ડ ઇટ્સ લીટ્‌રેચર’ ઇત્યાદિ નાની મોટી મૂલ્યવાન કૃતિઓ તેમના તરફથી ગુજરાતની સાહિત્યપ્રિય જનતાને મળી. શ્રી. મુનશીને આવી સાહિત્યસેવામાં જો મોટામાં મોટું કોઈ વિઘ્ન હોય તો તે સમયની ઉણપ છે. તેમની પ્રખ્યાત નવલકથાઓ પણ કેટલેક અંશે તો જેમ તેમ મેળવેલી ફુરસદની થોડી પળોમાં જ હફતે હફતે લખાઈ છે. ‘જય સોમનાથ’નાં પ્રકરણો પણ મુંબઈથી વર્ધા જતાં જતાં ચાલતી ગાડીએ જ લખાતાં. થોડાક કલાકની ફુરસદ, ને શ્રી. મુનશીની લેખિની કૈંક નવીન અને મૂલ્યવાન સરજાવે છે. પણ તેમના કીર્તિકળશ વિષે તો હજુ આપણે કાંઈ જ કહ્યું નથી. ‘ગુજરાત એન્ડ ઈટ્સ લીટ્‌રેચર’ નામે તેમનો વિપુલ ગ્રંથ ગુજરાતના વિવેચનક્ષેત્રમાં અજોડ ને અનન્ય છે, અને તેના